આગવાઃ ડાંગ જિલ્લા કોંગ્રેસી કાર્યકરો દ્વારા આજે ત્રણેય તાલુકાઓમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 17 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે બુધવારે ડાંગનાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા પોસ્ટર્સ સાથે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં.
પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે ડાંગ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ડાંગ જિલ્લા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ બુધવારે તમામ કોંગ્રેસી કાર્યકરોએ તાલુકા લેવલે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. ડાંગ જિલ્લાનાં મુખ્ય વહીવટી મથક આહવા તથા પ્રવેશદ્વાર વધઇ ખાતેનાં પેટ્રોલ પંપ સામે તેમજ સુબીર ખાતે કૉંગ્રેસી કાર્યકરોએ પોસ્ટર્સ સાથે ભાવ વધારાનો વિરોધ નોધાવ્યો હતો. અહી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર સાથેનાં પોસ્ટરો લઇ કોંગ્રેસી કાર્યકરોએ આક્રોશ સાથે વિરોધ પ્રદર્શનો કર્યા હતાં.
ડાંગ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આ પહેલા પણ 17 જૂનનાં રોજ ડાંગ જિલ્લા કોગ્રેસ સમિતિનાં પ્રમુખની આગેવાનીમાં આહવા ગાંધી બાગ ખાતે કોંગ્રસી કાર્યકરોએ વિરોધ કર્યો હતો, આ સાથે જ દરેકની ધરપકડ પણ કરવામાં આવી હતી, આજરોજ વધઇ ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોમાં સૂર્યકાંત ગાવીત, બબલુ ઉર્ફ તરબેઝ અહેમદ સહિત અગ્રણી નેતાઓને ડિટેન કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાનાં વઘઇ, આહવા અને સુબીર ખાતે વિરોધ કરી રહેલ કાર્યકરોએ જણાવ્યુ હતું કે, છેલ્લા બે વર્ષથી પેટ્રોલ ડીઝલનાં ભાવ આસમાને પહોંચી ગયો છે, ત્યારે આ કોરોના મહામારી વચ્ચે પ્રજા ઉપર પેટ્રોલ-ડીઝલનો વધુ એક ભાર મૂકવામાં આવ્યો છે.
આ વિરોધ પ્રદર્શનમાં ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી, સ્નેહલ ઠાકરે, સૂર્યકાંત ગાવીત, ગમન ભોયે, મહિલા કૉંગ્રેસ પ્રમુખ લતાબેન ભોયે સહિત કૉંગ્રેસી આગેવાનોએ જોડાઈને પેટ્રોલ ડીઝલનાં ભાવ સસ્તા કરવાની માંગણી કરી હતી.