ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લોકભાગ્ય કામગીરીની તાકીદ કરતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, "માર્ગ અકસ્માત અને વીજકરંટથી થતા અપમૃત્યુ બાબતે સાવધ બની અમલીકરણ અધિકારીઓએ જવાબદારી પૂર્વક કામગીરી કરવાની છે. બે જવાબદારી ચલાવી લેવામાં આવશે નહીં". અહીં અંતરિયાળ વિસ્તારના લોકોને સરકારની યોજનાઓનો લાભ આપી વિકાસની રાહમાં જોડવા અનુરોધ કર્યો હતો.
આહવા ખાતે સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ તુમાર નિકાલની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાને કલેકટર ડામોરે અભિનંદન આપ્યા હતા. સરકારી કામગીરી કરનાર કોઇપણ અધિકારી કે કર્મચારી સામે રૂકાવટ કરનાર સામે કડક પગલા લેવા જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળીને કલેકટર ડામોરે જણાવ્યું હતું.
ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસે જણાવ્યું હતું કે "એફ.આર.સી. હેઠળ વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળા, આંગણવાડી, DGVCL અને BSNLજેવી કચેરીઓને માંગણી અનુસાર જમીન ફાળવવામાં આવી છે તે કચેરીઓ દ્વારા ઓછામાં ઓછા એક વર્ષમાં કામગીરી શરૂ કરવાની હોય છે. નહીં તો જમીન પરત લઇ લેવામાં આવશે".
સંકલન સમિતિની આ બેઠકમાં સરકારી લ્હેણાની વસુલાત, બાકી તુમાર, નાગરિક અધિકાર, સ્વચ્છ ભારત મિશન, બાકી પેન્શન કેસો, નાની બચતની ચર્ચા કરવામાં આવી હતી. સરકારી લ્હેણાની વસુલાતમાં જમીન મહેસુલના 5 લાખ,પોલીસ વિભાગ દ્વારા 42 લાખ, મદદનીશ જિલ્લા રજીસ્ટાર રૂ.14300, RTOદ્વારા રૂ.73000 ની વસુલાત કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જે.ડી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.ડી.અસારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, શિક્ષણાધિકારી એમ.બી.ભુસારા, મામલતદાર, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.