ડાંગ ટુ દિલ્હીની IITમાં સૌપ્રથમ પ્રવેશ મેળવનાર થોરપાડા ગામનો અવીરાજ ચૌધરી સહ્યાદ્રીની ગિરીમાળાઓમાં વસતા પછાત આદિવાસી પરિવારના અવીરાજે એન્જીનીયરીંગની સર્વોચ્ચ પરીક્ષામાં સફળ થઇ IIT દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો છે, જે ડાંગ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ ધટના બની છે.શિક્ષણ તમામ ક્ષીતીજના દરવાજા ખોલી નાંખે છે.,ગરીબ-તવંગર જેવા કોઇ ભેદ શિક્ષણમાં નથી. 'સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય' એ ઉક્તિ આજે થોરપાડાના અવીરાજે સિધ્ધ કરી બતાવી છે.
સહ્યાદ્રીની ગિરીમાળામાં વસેલો ડાંગ જિલ્લો 3 બાજુથી મહારાષ્ટ્રની સીમા ધરાવે છે. અહીં ડુંગરો-ખીણો ધરાવતા પ્રદેશમાં લોકો માત્ર વરસાદ આધારીત ખેતી કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે.આહવાથી અંદાજીત 40 કિ.મી.ના અંતરે આવેલા થોરપાડા ગામમાં આજે ખુશીનો અવસર બન્યો છે. ગામના ખેડૂત પરિવારનો સૌથી નાનો દિકરો અવીરાજ સખારામભાઈ ચૌધરી નામના યુવાને દેશની સર્વોચ્ચ એન્જીનીયરીંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020 મો ક્રમાંક મેળવીને દેશની નામાંકિત IIT દિલ્હીમાં ટેક્ષટાઈલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે.