- ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન
- વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
- ગિરિમથક સાપુતારામાં રવિવારે પણ પ્રવાસીઓનું ઘોડાપૂર
ડાંગ: રાજ્યનાં છેવાડાના જિલ્લામાં મેઘમહેરે લાંબો વિરામ લેતા જિલ્લાના ખેડૂતો અસમંજસમાં મુકાયા હતા. પરંતુ શનિવારનાં સાંજનાં અરસાથી ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલે દસ્તક દેતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગયી હતી.
ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન
ડાંગ જિલ્લાનાં આહવા, વધઇ અને સાપુતારા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં શનિવારે રાત્રીનાં અરસામાં તેમજ રવિવારે દિવસ દરમિયાન સમયાંતરે થોડાક સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થયુ હતું. ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રીનાં અરસામાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે જંગલ વિસ્તારનાં કોતરડા, વહેળાઓમાં નવા નીર આવ્યા હતા. જ્યારે ડાંગી ખેડૂતોનાં ખેતરો પાણીથી ભરાયા હતા.
વઘઇના ગીરા ધોધમાં નવા નીરનું આગમન
ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ પડતા ગીરાધોધ ધીમી ગતિએ લયમાં આવી ધબકતો જોવા મળ્યો હતો. રવિવારે ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન વઘઇ ખાતે પણ પ્રવાસીઓનો જનસેલાબ ઉમટી પડ્યા હતા. જેમાં ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો સ્વાદ માણવા રવિવારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા લગાડવામાં આવ્યા હતા.