- ડાંગ જિલ્લાના "કોરોના વોરીયર્સ"ની અવગણના થતી હોવાની રાવ
- સરકારે આરોગ્યકર્મીઓની માંગણીને નજર અંદાજ કરી
- ડાંગ જિલ્લા આરોગ્ય મંડળે ડી.એચ.ઓને આવેદન આપ્યું
- આરોગ્યકર્મીઓનાં પગાર બાબતે આવેદન આપ્યું
ડાંગ:(રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHMના રાજ્ય કક્ષાના મંડળના નેજા હેઠળ રાજ્ય સરકાર કક્ષાએ તથા જુદા-જુદા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ આ કર્મચારીઓએ આપેલા આવેદનપત્ર અનુસાર ગઈ 12/10/2020ના રોજ મંડળ દ્વારા તેમની જુદી-જુદી માંગણીઓ માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને છ માસથી ઉપરનો સમય વીત્યો હોવા છતા, રાજ્યની સરકારે આરોગ્ય સેવાના પાયાના આ કર્મચારીઓની માંગણીને નજર અંદાજ કરી આ કર્મચારીઓની ઘોર ઉપેક્ષા કરી સતત અવગણના કરી રહી હોવાનો ભય આ કર્મચારીઓમાં વ્યાપી ગયો છે.
આ પણ વાંચો:વડોદરા લેબોરેટરીના કર્મચારીઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર અપાયું
સરકાર દ્વારા આરોગ્યકર્મીઓનું શોષણ કરવામાં આવે છે
કોરોના જેવા કપરા સમયે જ્યારે એક તરફ આ કર્મચારીઓ પોતાના ઘર, પરિવાર, અને કુટુંબની ચિંતા કર્યા સિવાય પોતાના જીવના જોખમે રાત-દિવસ ફરજ અદા કરી રહ્યા છે, તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો, અને દવાખાનાઓ જરૂરીયાતમંદ દર્દીઓને મનફાવે તેમ લુંટી રહ્યા છે. ત્યારે (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHMના જુદા-જુદા સંવર્ગોના કર્મચારીઓને નજીવા પગારે ફરજિયાત ડ્યુટી કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ કોવિડ ડ્યુટી માટે ભરતી કરાઈ રહેલા સ્ટાફને આ જુના કર્મચારીઓ કરતા પણ વધુ પગાર આપીને વર્ષોથી સેવા બજાવી રહેલા કર્મચારીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તાવ કરાઈ રહ્યો હોવાની તેમનામાં લાગણી વ્યાપી ગઈ છે. આ કર્મચારીઓને વાર્ષિક માંડ પાંચ ટકા જેટલુ ઇન્ક્રીમેન્ટ આપીને તેમની મજાક કરવામાં આવતી હોય તેવી લાગણી પણ આ કર્મચારીઓમાં વ્યાપી ગઈ છે.