ડાંગ : નવરાત્રી પર્વના વચ્ચે માતાજીના દર્શને જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. કેટલાક પ્રવાસીઓ અમદાવાદથી ગાડી નંબર GJ 01 KX 0255માં બેસી અમદાવાદથી સપ્તશૃંગી માતાજીના દર્શન કરીને આગળ શિરડી તરફ પ્રવાસે હતાં તે સમયે અક્સ્માત નડ્યો હતો.
બેફામ ટ્રક અને કારનો અકસ્માત :ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને અકસ્માતના પગલે દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં કેટલાક કિસ્સામાં વાહનચાલકો પોતાની બેદરકારીથી અથવા તો અન્ય વાહનચાલકોની બેદરકારીને પગલે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સાપુતારા - માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી સામે આવી છે. જ્યાં પૂરઝડપે દોડી રહેલા ટ્રકે ઈકો કારને અડફેટમાં લેતા બોલીવુડ એક્શન ફિલ્મ જેવા સીન જોવા મળ્યા હતાં.
એક વ્યક્તિનું મોત :ઈકો કાર પાંચથી છ જેટલી પલટી મારી જતા ઘડીભર જેને નજરે આ અકસ્માત પડ્યો તેઓ હતપ્રભ બની ગયાં હતાં. જે બાદ સંબંધિત તંત્રોને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની જગ્યાએ 108 એમ્બ્યૂલન્સની ટીમ પહોંચી હતી અને હતાહતોની પરિસ્થિતિ સામે આવી હતી. ઈજાગ્રસ્તોને શામગાહાન સીએચસી દવાખાને લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળેથી શામગાહાન CHC ખાતે લઇ જવાતાં કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે આહવા સરકારી હોસ્પિટલમાં મોકલી સારવાર આપવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સવારમાં થયો અકસ્માત :નવરાત્રી પર્વમાં અમદાવાદથી સપ્તશૃંગી ગઢ અને શિર્ડી દર્શનાર્થે જઈ રહેલ પરિવાર સવારે 7 વાગ્યાના અરસામાં સાપુતારાથી માલેગાવને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટ્રક અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અચાનક ટ્રકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારને ટક્કર મારતાં કાર પાંચ છ પલટી ખાઈ ગઇ હતી અને ધડાકાભેર રસ્તાની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર એકનું હોસ્પિટલ ખસેેડતાં જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક જ પરિવારના અન્ય 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત મોત અંગેનો ગુનો નોંધાયો : પરિવારના સભ્યના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અકસ્માતના પગલે ગામના લોકો તેમજ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યૂલન્સ અને પોલીસને જાણ કરાતા બંને ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શામગહાન મોકલી આપ્યા હતાં. સાપુતારા પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
- Surat Accident News: ધામરોડ ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
- Samruddhi expressway accident : મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર સર્જાયો ગોજારો અકસ્માત, 12 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મોત
- Jamnagar Accident : ચંગા પાટીયા પાસે જીવલેણ અકસ્માત, બે કાર ધડાકાભેર અથડાતા દંપતિનું કરુણ મોત