કલેક્ટર એન.કે.ડામોરે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા સાત વર્ષથી કૃષિ મહોત્સવના કાર્યક્રમો કરવામાં આવે છે. વર્ષો પહેલા આપણાં દેશમાં અનાજ આયાત કરવામાં આવતું હતું. આજે કૃષિ મહોત્સવની ફલશ્રૃતિને પરિણામે આપણે વૈજ્ઞાનિક ઢબે મબલખ ઉત્પાદન કરતા થયા છે. હવે આપણે અનાજની નિકાસ કરીએ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ રાજ્ય સરકારે ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે. જેથી આપણે રાસાયણિક ખાતર-દવાના વપરાશ ટાળીએ અને પોષણક્ષમ પાકોના વાવેતરથી મૂલ્યવર્ધન કરીએ અને રોગોથી બચીએ. તેમજ કૃષિ તજજ્ઞોની મદદ લઇને આપણાં જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક બનાવવાની દિશામાં આગળ વધીએ. સાથે સાથે વૃક્ષો વાવીએ અને પશુપાલન પ્રવૃતિ કરીને રોજગારી મેળવી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધારીએ.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના ખેડૂતો પોતાના પારંપારિક પાકો જેવા કે લાલ કડા, નાગલી,ખરસાણી,ચોખાની સ્થાનિક જાતો વૈજ્ઞાનિકોની મદદથી જાળવી રાખે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,આત્મા પ્રોજેક્ટની કચેરીઓમાં જરૂરી માર્ગદર્શન સાથે કિસાન ગોષ્ટિ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં વિવિધ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ કંપનીઓના આધુનિક ખેતી બિયારણ, ઓજારો, વનવિભાગ સહિત સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અધિક વન સંરક્ષક ટી.એન.ચૌધરી, રેંજ ફોરેસ્ટ ઓફિસર રાહુલ પટેલ, પંચાયત કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલ,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી,ડાંગ સ્વરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલ, માજી જિ.પં.પ્રમુખ રમેશભાઇ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ બાગાયત અધિકારીશ્રી તુષાર ગામીતે કરી હતી.