- સુબિર કોર્ટમાં આરોપીએ ખોટાં પૂરાવા રજૂ કર્યા
- કોર્ટનાં વકીલ દ્વારા આરોપી સામે પોલીસ ફરિયાદ
- જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો
ડાંગ: લોકડાઉન દરમિયાન ડાંગ કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થવા બદલ ડાંગ જિલ્લાનાં આહવાનાં ખાન અને પઠાણ બ્રધર્સ ઉપર ગુનો નોંધાયો હતો. જાહેરનામા અંતર્ગત નિયમનું ઉલ્લંઘન કરી પાન મસાલા ભરેલી ટ્રક ડાંગ લાવતા સુબિર પોલીસની ટીમે ટ્રક જપ્ત કરી IPC કલમ 188 મુજબ ગુનો દાખલ કર્યો હતો. સુબિર કોર્ટમાં ખાન અને પઠાણ બ્રધર્સ દ્વારા મુદામાલને છોડાવવા માટે GST બીલનાં ખોટા પુરાવા રજૂ કરતા કોર્ટનાં વકીલ દ્વારા સુબિર પોલીસ સ્ટેશનમાં આ ખાન અને પઠાણ બંધુઓ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધાયો હતો
કોરોનાની મહામારીનાં કારણે લાગુ થયેલા લોકડાઉનમાં સરકારશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી પાન મસાલા, ગુટખા અને તમાકુનાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં પણ ડાંગ જિલ્લાનાં આહવાનાં ખાન અને પઠાણ એન્ટરપ્રાઈઝનાં પ્રોપાઈટરોએ પાન મસાલા ભરેલી ટ્રકને સુબિરમાં પ્રવેશ કરાવી હતી. આ બાબતે સુબિર પોલીસની ટીમે ટ્રક સહિત ટ્રકમાં ભરેલા માલ સામાનનો જથ્થો જપ્ત કર્યો હતો સાથે જ સુબિર પોલીસની ટીમે માલ સામાન લાવનારા આહવામાં રહેતા સાહિદખાન વાહીદખાન પઠાણ ઉપર IPC કલમ 188 મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.