ડાંગઃ રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો ભરપૂર જંગલ વિસ્તાર ધરાવે છે. જેમાં કિંમતી ઇમારતી લાકડાં સહિત અન્ય ઔષધીય ઉપયોગી લેવાય એવી વન પેદાશો પણ આવેલ છે. અહીંના આદિવાસીઓ વર્ષો પહેલાં જંગલ ઉપર જ આત્મનિભર રહેતાં હતાં. વડીલોના જણાવ્યા અનુસાર પહેલાં લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલા હતાં નહિ તેમજ ખેતીમાંથી ઉત્પાદન પણ થતું નહિ. ત્યારે મોટાભાગનાં આદિવાસી લોકો જંગલના કંદમૂળ ખાઈને જીવન પસાર કરતાં હતાં. આજે જ્યારે આધુનિકતાં તરફ લોકો વળવા લાગ્યાં છે ત્યારે ખેતીક્ષેત્રે પણ સારી એવી પ્રગતિ થઈ છે. તેમ છતાં ડાંગ માં પારંપારિક ખેતી પદ્ધતિઓ જ અપનાવવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદ આધારિત ખેતી ઉપર આત્મનિર્ભર ખેડૂતોને રોજગારી માટે બહાર ગામ જવું પડતું હતું. ત્યારે સરકારના પ્રયાસ થકી, સ્થાનિક ખેડૂતોને વન પેદાશોની મહત્વતા સમજાવી ડાંગની ઔષધીય ખેત પેદાશો માંથી આવક મેળવી શકાય છે તેનાં વિશે સમજણ આપવામાં આવી જે થકી ડાંગના ખેડૂતો પારંપરિક ખેતી સિવાય પણ સફેદ મૂસળીની ખેતી મોટા પાયે કરવા લાગ્યાં છે.
વરસાદના પ્રારંભમાં જ સફેદ મૂસળીનું બિયારણ જમીનમાં નાખવામાં આવે છે. જે ઓક્ટોબર માસમાં તૈયાર થઈ જતી હોય છે. ત્યારે ખેડૂતો દ્વારા તેને જમીનમાંથી કાઢીને તેને સુકવ્યા બાદ વેચાણ માટે લઈ જવાય છે. હાલમાં મૂસળીના કિલોદીઠ ભાવ 700 થી 800 રૂપિયા છે જ્યારે આ મૂસળી સારી ગુણવત્તા વાળી હોય તો તેનો ભાવ 1200 થી 1800 રૂપિયાનો હોય છે. ડાંગના ખેડૂતો ઘરઆંગણે રોજગારી મેળવી શકે તે માટે વન વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેનિંગ આપીને મૂસળીના પાકનું બિયારણ પણ આપવામાં આવે છે.
ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગનેશ્વર વ્યાસના જણાવ્યાં અનુસાર તેમના કાર્ય વિસ્તારના પીપલાઈદેવી ક્લસ્ટરમાં વન વિભાગ સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતોને સફેદ મૂસળીનું બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે. 2020/21 ના વર્ષ દરમિયાન આ વિસ્તારના કુલ 10 ગામોના 133 ખેડૂતોને 1110 કિલોગ્રામ બિયારણ પૂરું પાડી, આ ઔષધીય પાકની ખેતી પદ્ધતિ અંગે સમજ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ પાક તૈયાર થતાં તેમાંથી 3330 કિલોગ્રામ ઉત્પાદન થવાની સંભાવના છે. આ અગાઉ સને 2019/20 માં વન વિભાગ દ્વારા 36 ગામોનાં 324 ખેડૂતોને 3000 કિલોગ્રામ બિયારણનું વિતરણ કરાયું હતું. જેમાંથી તેમને 8279 કિલોગ્રામ સફેદ મૂસળીનું ઉત્પાદન મળ્યું હતું.