ગુજરાત

gujarat

ETV Bharat / state

Water Ground Report :- વાપીમાં પાણી માટે 1355 ફૂટ ઊંડો બોર... તોય નામ માત્રનું નીકળ્યું પાણી - meroo gadhvi

વાપી: 'ગુજરાતનું ચેરાપૂંજી' કહેવાતા વલસાડ જિલ્લામાં હવે ચોમાસામાં પડતો 100 ઇંચથી વધુનો વરસાદ પણ જમીનમાં પાણીના સ્તરને ઉપર લાવી શકતો નથી. વાપીમાં હાલમાં જ એક ડેવલોપર્સ દ્વારા 1355 ફૂટનો વિક્રમ સર્જક બોર બનાવ્યો ત્યારે માંડ થોડુંક પાણી નીકળ્યું હતું. હાલ ઉનાળાની પાણીની તંગી વચ્ચે 1355 ફૂટ ઊંડા બોરમાં પણ નામ માત્રનું પાણી વાપી અને તેની આસપાસની જનતા માટે આવનારા દિવસોના જળ સંકટના એંધાણ આપી રહ્યું છે.

જુઓ વીડિયો

By

Published : May 4, 2019, 2:33 PM IST

વાપી નજીક બલિઠા ગામે એક નિર્માણાધિન ઇમારત માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા શ્રીનાથજી ડેવલોપર્સ દ્વારા બોર કરવામાં આવ્યો છે. આ બોર વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં સૌથી ઊંડા બોરનો રેકોર્ડ નોંધાવ્યો છે. કેમ કે આ બોર 100, 200 કે 500 -700 ફૂટ નહીં પરંતુ પુરા 1355 ફૂટ ઊંડો છે અને છેક 1355 ફૂટે પાણી મળ્યું તે પણ નામ માત્રનું જે બતાવે છે કે વાપી અને તેની આસપાસના વિસ્તારમાં પાણીના તળ કેટલા ઊંડા ઉતરી ગયા છે તો એ સાથે આવનારા સમયમાં પાણીના કારમાં દુકાળની પણ પોકાર ઉઠી છે.

પાણીના તળ ઊંડા ઉતરવા અંગે આ 1355 ફૂટ ઊંડો રેકોર્ડ સર્જક બોર બનાવનાર શ્રીનાથજી ડેવલોપર્સના પિયુષ મહેતાએ વિગતો આપી હતી કે, તેઓ 10 વર્ષથી કન્સ્ટ્રક્શન લાઇન સાથે સંકળાયેલ છે. પહેલા 60 થી 150 ફૂટના બોરમાં મબલખ પાણી મળી આવતું હતું. હવે, 400-500 અને હમણાં તો 1355 ફૂટે પાણી નીકળ્યું છે. જે ચિંતાનો વિષય છે.

વધુમાં પિયુષ મહેતાના જણાવ્યા મુજબ, પાણીની જે પેટર્ન બદલાઈ છે. જે રીતે પાણીના તળ ઊંડે સુધી જતા રહ્યા છે. તે જોતા હવે પાણીનું યોગ્ય આયોજન કરવું જરૂરી બન્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાની સીઝનમાં માંડ 5 થી 40 ઇંચ વરસાદ પડે છે. તેમ છતાં ત્યા જેટલી પાણીની તંગી છે તેનાથી ક્યાંય વધારે પાણીની તંગી જ્યા 100 ઇંચ વરસાદ પડે છે તે વલસાડ જિલ્લામાં પડી રહી છે. કદાચ આ માટે પાણીનું કોઈ યોગ્ય આયોજન નથી તે બનવા જોગ છે. ઉપરાંત 100 ઇંચ વરસાદ બાદ પણ મધુબન ડેમ, દમણગંગા નદી, કોલક નદીમાં પાણી સ્ટોર કરી શકાતું નથી અને મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. જો આ પાણીનો સદ્દપયોગ થાય તો હાલમાં પડી રહેલું જળ સંકટ નિવારી શકાય તેમ છે.

જુઓ વીડિયો

વાપી વિસ્તારમાં છેલ્લા 3-4 વર્ષથી પાણીની ખૂબ મોટી સમસ્યા સર્જાઈ છે. મોટા ભાગના બોરિંગમાં ખારાશવાળું અને કેમિકલયુક્ત પાણી નીકળી રહ્યું છે. ત્યારે હવે પાણી માટે તમામે જાગૃત થવાની જરૂર છે અને દરેક રહેણાંક ઇમારતમાં ખાસ પાણીની સ્ટોરેજ ટેન્ક બનાવી વેડફાટ થતાં પાણીને સ્ટોર કરી જમીનમાં ઉતારવુ અગત્યનુ બન્યુ છે.

વાપી અને તેની આસપાસના એવા 11 ગામો છે જેમાં દિવસો દિવસ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. દર વર્ષે પાણી વધુ ને વધુ ઊંડું ઉતરતું જાય છે. વરસાદ પણ ઓછો થતો જાય છે. ત્યારે હાલમાં 1355 ફૂટના બોરિંગનો રેકોર્ડ કદાચ ટૂંક સમયમાં જ તૂટી જાય તો નવાઈ નહીં.

ABOUT THE AUTHOR

...view details