દમણઃ હાલ ચોમાસાની સીઝનમાં દમણના કોસ્ટલ હાઇવે, વરકુંડ રોડ, કોલેજ રોડ, બામણપુંજા અને ઢોલરના માર્ગો પર રખડતા ઢોરોએ પોતાનો અડિંગો જમાવ્યો છે, એક તો વરસાદી સીઝન, ઉપરથી બંધ સ્ટ્રીટ લાઈટો, આવા જોખમી માહોલ વચ્ચે અંધારિયા માર્ગો પર બેસેલા ઢોરને કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે, ચોમાસામાં દૂધ મલાઈ ખાઈને ઢોરને જાહેર માર્ગો પર છોડી મુકતા ઢોર માલિકો વિરૃદ્ધ પ્રશાસન કોઈ કડક પગલાં પણ લેતું નથી.
ઉપરાંત રસ્તા પર નાની લારી અને ગલ્લા લઇને વેપાર કરતા વેપારીઓએ પણ ક્યારેક આ રખડતા ઢોરના ત્રાસનો ભોગ બનવું પડે છે. તંત્ર દ્વારા ક્યાંકને કયાંક રખડતા ઢોરને પકડવામાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેનો ભોગ દમણની જનતા બની રહી છે. દમણ બસ સ્ટેશન, સોસાયટી વિસ્તાર અને જ્યાં એંઠવાડ ફેંકાય ત્યાં મોટી સંખ્યામાં ઢોર ધસી જાય છે.