માર્ચ મહિના બાદ એપ્રિલ અને મે મહિનામાં ગૃહિણીઓ ગરમ મસાલો અને તેજાનાની ખરીદી કરતી હોય છે. આ સમયગાળો આખા વર્ષ માટેનો ગરમ મસાલો ખરીદવાની સીઝન પણ ગણાય છે. વાપીમાં આવેલા કચ્છી માર્કેટમાં હાલ ગૃહિણીઓ ગરમ મસાલાની ખરીદી કરવા ઉમટી રહી છે. વર્ષભરનું મરચું, હળદર, ધાણાજીરૂ અને મરી મસાલો વગેરે ખરીદવા વાપીની ગૃહિણીઓ ઉમટી રહી છે.
મુસ્લિમ ગૃહિણી હમીદા અજમેરીએ જણાવ્યું હતું કે, રમઝાન માસને ધ્યાનમાં રાખી મસાલાની અને ડ્રાયફ્રુટની ખરીદી કરી છે. મસાલામાં અને ડ્રાયફ્રૂટમાં આ વખતે ભાવ નીચા રહ્યા હોવાને કારણે સારી ખરીદી થઇ છે.
ગરમ મસાલો, ધાણાજીરું, હળદર, દાળ, પાપડ માટેનો મસાલો અને તીખું-મીડીયમ-મોળા મરચાની અનેક પ્રકારની વેરાયટીઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે. મનીષ પટેલ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, ભાવ નીચા હોય આખા વર્ષની મસાલા સહિતની જરૂરી ચીજવસ્તુઓ ભરવા આવ્યાં છીએ. અહીં દરેક પ્રકારની ક્વોલોટી મુજબ કિલો દીઠ ભાવ છે. જેમાં સારી ક્વોલિટીમાં બાંધછોડ કરવાને બદલે બને તેટલી વધુ ખરીદી કરી રહ્યા છે.
મસાલા બજારના વેપારીઓનું કહેવું છે કે, 50 ટકાલા લોકો એવા હોય છે જે આખા વર્ષનું મરચું, હળદર, મરી મસાલા એક સાથે જ ખરીદે છે. આ વખતે ભાવ જરુર નીચો રહ્યો જરૂર છે, પરંતુ તેનાથી ઘરાકીમાં કોઈ ફરક પડ્યો નથી. જે ઘરાકી પહેલા હતી તેટલી જ ઘરાકી હાલમાં વર્તાઈ રહી છે. એ જ રીતે ડ્રાયફ્રૂટમાં પણ ભાવ નીચા રહ્યા છે, તેમાં પણ સામાન્ય ઘરાકી વર્તાઈ રહી છે. કેમ કે, રમઝાન માસ દરમિયાન ડ્રાયફ્રુટનો ઉપાડ જરૂર થતો હોય છે, પરતુ રમજાન માસ જ ગરમીની સિઝનમાં આવતો હોવાથી ડાયફ્રુટ ખાવાનું ચલણ લોકોમાં ઓછું હોય છે.
એક નજર કરીએ મરચા ધાણાના અને ડ્રાયફ્રુટના વર્તમાન ભાવ પર...
મસાલા-ડ્રાયફ્રુટ્સનું નામ | ભાવ પ્રતિકિલો |
મરચું તીખું | 110 થી 120 રૂપિયા |
કાશ્મીરી મરચું | 180 રૂપિયા |
હળદર રાજાપુરી | 120 રૂપિયા |
હળદર સેલમ | 140 રૂપિયા |
ધાણાજીરુ | 130 થી 150 રૂપિયા |
ગરમ મસાલો | 120 થી 400 રૂપિયા |
બદામ | 660 થી 700 રૂપિયા |
કિસમિસ | 200 થી 300 રૂપિયા |
ખજૂર | 60 થી 500 રૂપિયા |
કાજુ | 700 રૂપિયા થી 850 રૂપિયા |
વિવિધ પ્રકારના મરચા, હળદર, ધામણાજીરું, તેજાનો વગેરે જે તે જિલ્લા અને રાજ્યમાંથી વાપીની બજારમાં આવે છે. વેપારીઓ સ્થળ પર જઈ કે, અમદાવાદના જથ્થાબંધ માર્કેટમાં જઈ તેની ખરીદી કરી લાવે છે. હાલ મસાલા ભરવાની સીઝન હોવાથી ભાવ નીચા છે.