દમણ રવિવારે દમણના સી-ફેસ રોડ કહેવાતા મોટી દમણ લાઈટ હાઉસથી જામપોર બીચ સુધી "સાયકલિંગ ફોર કૌઝ" સ્લોગન હેઠળ સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન અને સફાઈ કર્મચારીઓના સન્માનનો એક કાર્યક્રમ વાપી-દમણના સાયકલ સવારો ફોટોગ્રાફરોએ કર્યો હતો.
બીચ પર સફાઈ કરતા કામદારોનું સન્માન કરાયું
સંઘપ્રદેશ દમણના બીચ પર કેટલાક યુવાનો વહેલી સવારે ફોટોગ્રાફી કરવા આવતા હતા. જેઓને કેમેરાની ક્લિક દરમિયાન બીચ પર પ્રવાસીઓએ ફેંકેલા ખાણીપીણીના કચરાના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીચ પર પ્રશાસને કરેલી સુંદર કામગીરી આ ગંદકીમાં ઢંકાઈ રહી હતી. જેથી આ યુવાનોએ વોઇસ ઓફ દમણ ગ્રૂપ બનાવી સ્વચ્છતા જાગૃતિના બેનરો સાથે બીચ પર ઉભા રહેવાનું નક્કી કર્યું. યુવાનોની આ કામગીરીને પ્રવાસીઓએ અને સ્થાનિક લોકોએ સરાહી અને બીચ પર સ્વચ્છતા રાખવામાં મદદરૂપ થયા જેના સુંદર કાર્યને વાપીના સાયકલ સવારોએ રવિવારે પ્રોત્સાહન આપી બીચ પર સફાઈ કરતા કામદારોનું સન્માન કર્યું હતું.
સારા નાગરિક બની સ્વચ્છતા જળવોસાયકલ સવારોના મતે દમણના બીચ પર હાલમાં બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. ગ્લોબલ લેવલે સ્પર્ધા કરી શકે તેવા બીચનું નિર્માણ કર્યું છે. ત્યારે દેશના સારા નાગરિક તરીકે તેને જાળવણી કરવી. પ્રવાસીઓને જાગૃત કરવા એ ઉદ્દેશ્ય સાથે વાપીના સાયકલ સવારો અને વોઇસ ઓફ દમણના સભ્યોએ એકતાના દર્શન કરાવ્યાં હતા.
પ્રવાસીઓ બીચ પર ખાણીપીણીના આનંદ સાથે સ્વચ્છતા જાળવેવોઇસ ઓફ દમણના સભ્યોએ પણ તેમના સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન મળતું હોય ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમના મતે અહીં જે પણ પ્રવાસી આવે છે. સ્થાનિકો મોર્નિંગ વોક માટે આવે છે. તે તમામ તેમની સાથે ખાણીપીણીની ચીજવસ્તુઓ લાવે છે. તો સાથે એક થેલી પણ લાવે જેમાં તમામ નકામો કચરો ભરે અને તેને ડસ્ટબીનમાં નાખવાનું રાખે તો બીચ પર કાયમ સ્વચ્છતા જળવાઈ રહેશે.
વોઇસ ઓફ દમણ ગ્રુપમાં 80 સભ્યો
ઉલ્લેખનીય છે કે, વોઇસ ઓફ દમણ ગ્રુપમાં 80 સભ્યો છે. જેઓ દર રવિવારે સી-ફેસ બીચ રોડ પર સ્વચ્છતા જાગૃતિના સંદેશ સાથેના બેનર લઈને ઉભા રહે છે. જેમને જોઈને વાપીના સાયકલ સવારો પણ બીચની સુંદરતા જળવાઈ રહે તે માટે સહભાગી થયા હતા. તમામે "સાયકલિંગ ફોર કૌઝ" અભિયાન હેઠળ પંજાબી યુવાનના નેતૃત્વમાં ભારતની એકતાના દર્શન કરાવ્યાં હતા.