સરીગામ ગ્રામ પંચાયતનું 4 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમત્તે મંજૂર - valsad latest news
વલસાડ જિલ્લાના સરીગામ ગ્રામ પંચાયતમાં સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020-21નું 4,03,63,450 રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. તો ગામના સભ્યો દ્વારા બિલ્ડરો વિરુદ્ધ કરેલી અરજીઓ અંગે સ્થળ તપાસ કરી આકારણી કરવા અને બાંધકામની મંજૂરી આપવા બાબતનો ઠરાવ પાસ કરાયો હતો.
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામપંચાયત સરપંચ પંકજ રાય અને તલાટી કમ મંત્રી વિરલ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા અને બજેટ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરીગામ ગ્રામપંચાયતમાં આયોજિત સામાન્ય સભામાં સૌ પ્રથમ વર્ષ 2020-21 નું 4,03,63,450 રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભાના આયોજન અંગે ઇન્ચાર્જ સરપંચે પંકજ રાયે જણાવ્યું હતું કે, ગત સામાન્ય સભાના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. તેમજ આવક-જાવકના બિલોને બહાલી સાથે વિવિધ વિકાસના કાર્યોને પણ તમામ સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી છે.
પંકજ રાયે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતના બજેટમાં 50 લાખનો વધારો કર્યો છે અને સ્વ ભંડોળના તેમજ 14માં નાણાપંચના કાર્યોને મંજૂર કર્યા છે. આગામી દિવસોમાં વિકાસના કામોને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને ભાવ પત્રક મંગાવી વિકાસના કાર્યોનો શુભારંભ કરવામાં આવશે. અન્ય કેટલીક વાંધા અરજીઓ પણ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને પણ શાંતિપૂર્ણ રીતે સાંભળી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
સામાન્ય સભા અંગે પંચાયતના સભ્ય દિપક મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દસ વર્ષમાં પહેલી વખત સરીગામ ગ્રામ પંચાયતની સામાન્ય સભા અને બજેટ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. વર્ષોથી સરીગામ ગ્રામપંચાયત માં પંચાયતના સભ્યો અને સરપંચને બદલે તાલુકા પંચાયતના સભ્ય સામાન્ય સભા ચલાવતા હતા અને તેમના ઈશારે સામાન્ય સભા ચાલતી હતી. આ પ્રથાને આ વખતે તમામ સભ્યોએ એકસંપ થઈ નાબૂદ કરી છે અને ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થયા છે.