વલસાડ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ સંપર્ક વિહોણા બનેલા બુનાટપાડા ગામના લોકોએ જાતે જ મહેનત કરી પાણીમાંથી અવરજવર કરવા માટે કાચો માર્ગ બનાવ્યો છે. સંજાણ રેલવે સ્ટેશન પાસે બુનાટપાડાના ગામના મહિલા અને પુરૂષોએ પાણીમાં ઉતરી જાતે જ મહેનત કરી આ કામચલાઉ રસ્તો બનાવ્યો છે.
વલસાડમાં માર્ગ વિહોણા ગામલોકોએ જાતે બનાવ્યો પાણીમાં સેતુ - village
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નજીકથી પસાર થતી ટ્રેનની નવી લાઈનમાં પણ પાણી ભરાયા હતા. ગામલોકોએ તંત્રએ અને રેલવે વિભાગને આ અંગે જાણ કરી હતી. પરંતુ તંત્રએ ગામલોકોની પરવા નહીં કરતા ગામલોકોએ જાતે જ પાણીમાં ઉતરી કામચલાઉ સેતુ બનાવી દીધો છે.
મળતી માહિતી મુજબ મુંબઇ-અમદાવાદ નવી ફ્રેઈટ કોરિડોર રેલવે લાઇન માટેની અધૂરી કામગીરી દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા આ વિસ્તારમાં પાણી ભરાયા હતા. કમર સુધી પાણી ભરાતા ગામલોકોની અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થયો હતો. જેથી વીજપુરવઠો પણ ખોરવાયો હતો.
આ અંગે ગામ લોકોએ રેલવે સ્ટેશન સંજાણ ખાતે સ્ટેશન માસ્તરને, GEBમાં અને ઉમરગામ મામલતદારને રજૂઆત કરી હતી. પરંતુ આ અંગે એકપણ વિભાગે તાત્કાલિક કાર્યવાહીના કરતા ગામ લોકોએ જાતે જ માટી, ઇંટ અને પથ્થર લાવી પાણીની વચ્ચે કામચલાઉ માર્ગ બનાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદમાં આ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો હતો. લોકોએ કમર સુધીના પાણીમાં તરીને અવરજવર કરવી પડી રહી હતી. ત્રણ દિવસ સુધી આ મુશ્કેલી વેઠયા બાદ ગામલોકોએ જાતે જ કામચલાઉ કાચો માર્ગ બનાવી પોતાની મુશ્કેલીમાંથી છૂટકારો મેળવ્યો છે. GEB કર્મચારીઓએ પણ વીજ થાંભલાને સીધા કરવાની અને તૂટેલા વાયરો રીપેર કરવાની કામગીરી હાથ ધરી છે. જેથી વીજપુરવઠો ફરી યથાવત થયો હતો.