આ સમગ્ર મામલે ભીલાડ પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફના માણસો અને DYSP ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગાયોની કતલ કરનારા ઈસમોની મોડી રાત્રે ભારે શોધખોળ કરી હતી. તેમ છતાં ગાયની તસ્કરી કરનાર ટોળકીના ઈસમો મળી આવ્યા ન હતા. સ્થળ ઉપરથી પોલીસને એક અર્ટિકા કાર મળી આવી હતી. જેમાં ગૌવંશનું કપાયેલું માસ તથા છરા, ઇન્જેક્શન, દોરડા વગેરે મળી આવતા તે કબ્જે લીધા હતા.
સરીગામ વિસ્તારમાં ગાય તસ્કરોએ મચાવ્યો આતંક, ગાય અને વાછરડા કતલ કરાયેલી હાલતમાં મળી આવતા લોકોમાં રોષ - જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી
સરીગામ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ બાયપાસ રોડ પર ગૌવંશ કતલ કરાયેલી હાલતમાં મળી આવતા જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.
સ્થળ ઉપર આસપાસ કપાયેલા બે વાછરડા અને એક ગાય પણ મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે એક ગાય બેભાન અવસ્થામાં ત્યાં પડી હતી. આ બનાવની ફરિયાદ ભીલાડ પોલીસ સ્ટેશનમાં નોંધી પોલીસે આરોપીની સફેદ કલરની અર્ટિકા કારમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે,ઉમરગામ તાલુકો દિવસે અને દિવસે ગાયની તસ્કરીનું હબ બની રહ્યો છે. તાલુકામાં ગૌ રક્ષક દ્વારા ઉપરોકત બનેલી ઘટના અનુસાર અનેક વાર ગાયોની કતલ થયાની લેખિત અરજી તથા ફરિયાદ નોંધવામાં આવી હોવા છતાં ગાયની તસ્કરી કરતી ટોળકીઓ બિન્દાસ્ત ફરી રહી છે. ત્યારે હવે આ મામલે સ્થાનિક જીવદાયાપ્રેમી યુવાનોએ પણ કસાઈઓને પકડી પાડવા ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.