ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે બે મહિલાને એડફેટે લેતા 1નું મોત - crime

દમણ: જિલ્લાના ડાભેલ-વરકુંડ રોડ પર બુધવારના રોજ વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં વરકુંડની એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

દમણ

By

Published : Jul 18, 2019, 11:32 AM IST

ઘટનાની મળેલી વિગતો મુજબ, વરકુંડ મીતનાવાડમાં રહેતી સમાધીબેન મીતના અને આશાબેન મીતના નામની બે મહિલાઓ એક કંપનીમાં નોકરી કરતી હતી. જેમાં નોકરીએ જવા સમયે બસ નીકળી જતા પગપાળા જ કંપનીએ જવા ચાલવા લાગી હતી. જે દરમિયાન કાર ચાલકે બેફામ રીતે કાર હંકારતા બંને મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

દમણમાં હિટ એન્ડ રનની ઘટના આવી સામે, 1 નું મોત

જ્યારે બીજી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ગોઝારો અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મહારાષ્ટ્ર પાસીંગની આ કાર દમણનો જ કોઈ સ્થાનીક વ્યક્તિ ચલાવી રહ્યો હતો. જેની ધરપકડ કરવા માટે મીતનાવાડના રહીશોએ પોલીસ મથક પર હલ્લો બોલાવ્યો હતો. જો કે પોલીસે લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને આરોપી ડ્રાઈવરને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

ગોઝારા અકસ્માતનો ભોગ બનેલ બંને મહિલાઓ ગરીબ પરિવારમાંથી આવતી હોય અને કંપનીમાં નોકરી કરીને પોતાના તેમજ પરિવારનું પેટિયું રળતી હતી, કારની ટક્કરથી એક મહિલાના થયેલા મોતથી તેમના બે બાળકોના માથેથી માતાનો સહારો છીનવાયો છે. જ્યારે બીજી ત્રણ બાળકોની માતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે મીતનાવાડના રહીશોએ અકસ્માત સર્જનાર ડ્રાઇવરની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહીની માગ સાથે બંને મહિલાઓના પરિવારજનોને આર્થિક વળતર આપવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details