સહેલાણીઓને આકર્ષવા માટે દમણમાં કરોડોના ખર્ચે માર્ગો અને બીચનું બ્યુટીફીકેશન હાથ ધરાયુ હતું. જે અંતર્ગત દમણ ગુજરાતને જોડતા કોસ્ટલ હાઇવેની આસપાસ કેટલાક નારિયેળીના છોડ રોપવામાં આવ્યા આવ્યા હતા. પણ સાર સંભાળના અભાવે તંત્ર દ્વારા લગાવવામાં આવેલા આ છોડવાઓનું બાળ મરણ થઇ રહ્યું છે. દમણ PWD દ્વારા લગાવવામાં આવેલા આ નારિયેળીના છોડ સારસંભાળના અભાવે રખડતા ઢોરો દ્વારા ચારા તરીકે ચવાઈ ગયા છે અથવા તો સ્થાનિક નાગરિકો દ્વારા સંગે વગે કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ પાણીની પાઇપ લાઈન નાખવાથી કેટલીક નારિયેળી ઉખાડી પણ નાખવામાં આવી છે. લાખોના ખર્ચે રોપવામાં આવેલી નારિયેળીઓ તરફ યોગ્ય ધ્યાન ન દોરાતા તે સુકાઈ રહી છે. વૃક્ષોની સારસંભાળ અને ગેરકાયદે કટિંગના મામલે ઉદાસીનતા દાખવાતા દમણના માર્ગો પર ગ્રીનરી નામશેષ થવાના આરે આવી ગઇ છે. હવે આકરા ઉનાળાની શરુઆત થવા પામી છે. ત્યારે, વૃક્ષોની સંખ્યા ઘટતા કેવી હાલાકી ભોગવવી પડે છે. તેનો અહેસાસ વાહન ચાલકોને થઇ રહ્યો છે.