- બેન્ક ATM અને પાસવર્ડ નથી રહ્યા સુરક્ષિત
- ATMમાંથી પૈસા ઉપાડતી ગેંગના 4 શખ્સોની ધરપકડ
- આરોપીઓ બિહારના ગયામાંથી 50 હજાર ખર્ચીને આવ્યાં હતાં ગુજરાતમાં
- આરોપીઓ બિહારથી એર ટ્રાવેલ્સ કરી ગુજરાતમાં આવતા
દમણ: ATM કાર્ડ કે, પિન નંબર ચોર્યા વિના જ અન્ય ગ્રાહકના એટીએમનો ક્લોન બનાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતથી ઝડપાયેલા આ ગેંગના ચાર શખ્સોએ બિહારના ગયામાં 50,000 રૂપિયા ખર્ચીને આ ખાસ ટ્રેનિંગ લીધી હતી. દમણ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી તેમની પાસેથી ATM કાર્ડ, ખાસ પ્રકારનું સ્કીમર મશીન, મોબાઈલ, બાઇક, ઝવેરાત મળી કુલ 3,84,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અંદાજીત 200 જેટલા બેન્ક ગ્રાહકો સાથે છેતરપીંડી કરી હોવાની વિગતો જાણવા મળી.
ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી દમણ DIGP એ પત્રકાર પરિષદમાં આપી વિગતો
આ અંગે દમણ DIGP વિક્રમજીત સિંહે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી કે, નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનું ATM કાર્ડ તેમની પાસે જ હોવા છતાં કોઈ અજાણ્યા શખ્સે સુરતમાં તેનું ક્લોન ATM કાર્ડ બનાવી HDFC બેન્કના ખાતામાંથી 7500 રૂપિયા ઉપાડી લીધા છે. આવી બીજી ફરિયાદ પણ દમણ પોલીસને મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીની ટીમને આરોપીઓને ઝડપી પાડવા તપાસ સોંપી હતી.