દમણ :ગુજરાતની સરહદે બન્ને પ્રદેશમાંથી પસાર થતી નદીના વહેણમાં ન્હાવા ગયેલ દમણના 3 યુવકો ડૂબી જતાં મોતને ભેટ્યા છે. આ ઘટના બાદ દમણ-વાપી પોલીસ અને ફાયર સ્ટાફે યુવકોની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહને દમણની સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલવામાં આવ્યા છે.
દમણના 3 યુવાન : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ મૃતક યુવકો નાની દમણના ખારીવાડમાં આવેલ દિવ્ય દર્શન બિલ્ડિંગમાં રહે છે. આ 4 યુવાનો શનિવારે બપોરે દમણના બામણ પૂજા પાસેની નદીમાં ન્હાવા ગયા હતા. ગુજરાતના ભીલાડ પલસેટ ગામની હદ તરફની નદીમાં 4 પૈકી 3 યુવાનો ન્હાવા માટે ઉતાર્યા હતા. જેમાં 32 વર્ષીય રોહિત બોરા, 25 વર્ષીય ક્રિષ્ના જીવન બોરા અને 20 વર્ષીય સંદીપ નેગી નદીમાં ન્હાવાની મજા માણી રહ્યા હતા. એ દરમિયાન પાણીનું વહેણ વધી જતાં ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા.
પાણીના વહેણમાં તણાયા : ડૂબતા ત્રણેય યુવકોએ ચોથા મિત્રને બચાવવા બૂમાબૂમ કરતા તેણે મદદ માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ યોગ્ય સમયે મદદ ન મળતા ત્રણેય યુવાનો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ તાત્કાલિક મોટી દમણ કોસ્ટલ પોલીસ અને દમણ ફાયરને કરવામાં આવી હતી. પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર આવી યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.