કલમ 144 લગાવી અવરજવર માટે પ્રતિબંધ દમણ:બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા તરફ નજીક આવી રહ્યું છે. પશ્ચિમી તટ સહિત દમણનો દરિયો સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે તોફાની બની રહ્યો છે. સંઘપ્રદેશ દમણમાં આગામી 15 જૂન સુધી દેવકા અને જામપોર દરિયા કિનારા પર કલમ 144 લગાવવામાં આવી છે. સહેલગાહે આવતા પર્યટકો અને અન્ય સ્થાનિક લોકોના જોખમને ધ્યાનમાં લઈને પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ કલમ 144 લાગુ: તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પર્યટકો અને માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. જેથી હંમેશા પ્રવાસીઓથી ધમધમતો દમણનો તોફાની દરિયો આજે સુમસામ બન્યો હતો. કલમ 144 લાગુ કરતાં જે કોઈ પણ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરી દરિયામાં જવાનો પ્રયાસ કરશે તેવા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પરિસ્થિતિ પર બાજ નજર: દમણ પ્રશાસન દરિયા કિનારામાં ઉદભવતી પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખી રહ્યું છે. સામાન્ય દિવસો કરતા આજે દમણના દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળ્યા હતા. દમણ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે દમણના દરિયા કિનારે 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવ્યું છે. બંને દરિયા કિનારાના બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
દમણના દરિયા કિનારે 3 નંબરનું ભયસુચક સિગ્નલ પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ: પ્રશાસન દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને રિલીફ શેલ્ટર, એમ્બ્યલૂન્સ, ફાયર, હેલ્થ સહિતની તૈયારી પુરી કરી દેવામાં આવી છે. વાવાઝોડાની અસરને લઈને છેલ્લા 4 દિવસથી દમણના દરિયા કાંઠે ઉછળતા મોજાઓ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણના આખા દરિયા કિનારે પોલીસની એક ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા સૂચના:પોલીસ તંત્ર દ્વારા દરિયા કિનારાની નજીક જતા લોકોને કાંઠાથી દૂર કરવાનું કાર્ય હાથ ધરી રહી છે. આ સાથે પ્રશાસને હોટેલ એસોસિયેશનને પણ તેની હોટલોમાં રોકાતા પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા માટે એક એડવાઈઝરી જાહેર કરવાની સૂચના આપી દીધી છે. તો ત્રણેય પ્રદેશોમાં રહેતા લોકોને પ્રશાસન દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિમાં કેવી તકેદારીઓ રાખવી તે અંગેના સંદેશાઓ મોકલી આપ્યા છે.
પરિસ્થિતિનો તાગ મેળવ્યો: ડીએમસી પ્રમુખ અસ્પી દમણિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ પ્રશાસનિક અધિકારીઓ સાથે મળીને દમણના દરિયા કાંઠાનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. તેમજ દરિયા કાંઠે ઉપસ્થિત સહેલાણીઓને કિનારાની નજીક ન જવા અને વાવાઝોડા સમયે સાવધાની રાખવાની સૂચનાઓ આપી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
- Cyclone Biparjoy: ધોધમાર વરસાદથી ઉપલેટામાં તબાહીના દ્રશ્યો સર્જાયા, અનેક પક્ષીઓના થયા મોત
- Cyclone Biparjoy: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે વાવાઝોડાની અસર, 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન - અંબાલાલ
- Cyclone Biparjoy: કંડલામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, 102 વર્ષના દિવ્યાંગ વૃદ્ધાને સ્થળાંતરણમાં કરી મદદ