ભીલાડ: ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર વલસાડ જિલ્લાના ભીલાડ ચેકપોસ્ટમાં વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા કોરોના વાઇરસની ચકાસણી માટે ખાસ ટીમ તૈનાત કરી છે. જેમાં મહારાષ્ટ્રમાંથી આવતા પ્રવાસીઓના વાહનો થંભાવી ઇન્ફ્રારેડ ગનથી શરીરનું તાપમાન ચેક કરી અન્ય જરૂરી વિગતો એકઠી કરી કોરોના વાઇરસની જાણકારી આપી રહ્યા છે.
કોરોના ઈફેક્ટ: ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક ભીલાડ ચેકપોસ્ટ પર લોકોની ચકાસણી - bhilad checkpost
વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરના વાઇરસના 17 કેસ પોઝિટિવ આવ્યાં છે. રાજ્યમાં એક વ્યકિતનું આ વાઇરસના કારણે મોત થયું છે. કોરોના વાઇરસને અટકાવવા સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી જોતાં ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સતર્ક બની ગુજરાતમાં આવતા પ્રવાસીઓને અટકાવી તેમની તપાસ કરાઇ રહી છે.
આરોગ્ય વિભાગની ટીમ સાથે ભીલાડ ચેકપોસ્ટ પર પોલીસ વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોને થોભી રહી છે. પ્રવાસીઓ પણ આ અંગે પોતાનો સહયોગ આપી રહ્યાં છે અને તેમાં કેટલાક પ્રવાસીઓ મૂળ ગુજરાતના અને હાલ મહારાષ્ટ્રના મુંબઈ જેવા શહેરમાં વસવાટ કરે છે. જે લોકો પરત ફરી રહ્યાં છે. તેમની ચકાસણી કરવામાં આવી રહી છે.
ભીલાડ ચેકપોસ્ટ પર કેટલાક એવા પ્રવાસીઓ પણ આવે છે કે, જેઓને અહીં થોભાવ્યા બાદ કોરોનાના લક્ષણો અંગેનો ટેસ્ટ કરવાની વાત કરતા જ ગભરાઈ જાય છે અને પરત ફરી રહ્યા છે. ત્યારે મોટાભાગના લોકોનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.