દમણ : બે દિવસ પહેલા જ 15 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં દમણના ડાભેલ વિસ્તારમાં એક સાથે આઠ કોરોના કેસ મળી આવતા ડાભેલ અને સોમનાથને જોડતા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો, તેમજ અહીંના કર્મચારીઓને અન્ય વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.
દમણમાં કોરોનાના કેસ વધતા બોર્ડર સીલ કરાઇ, સરહદી ચેકપોસ્ટ પર વાહનોની કતારો લાગી
સંઘપ્રદેશ દમણમાં ત્રણ દિવસથી થઈ રહેલા કોરોના વિસ્ફોટમાં શુક્રવારે વધુ એક કેસ સામે આવતા કુલ આંક 23 પર પહોંચ્યો છે. જેને કારણે દમણ પ્રશાસને વધુ કડક પગલાં લેવા મજબૂર થવું પડ્યું છે. શુક્રવારે દમણ પ્રશાસને દમણની તમામ ચેકપોસ્ટ અને સરહદ સિલ કરી દેતા ચેકપોસ્ટ પર વાહનોની કતારો લાગી હતી.
દમણમાં નોંધાયેલા મોટાભાગના કેસની ટ્રાવેલ હિસ્ટ્રી દમણ બહારની હોય પ્રશાસને વધુ કડક પગલાં ભરીને દમણની તમામ બોર્ડરો ફરી સીલ કરી દીધી છે. જેમાં દમણની ડાભેલ, કચીગામ, બામણપુંજા, વાંકડ અને પાતલીયા ચેક પોસ્ટ પર ત્રણ દિવસ માટે બહારના લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેથી વહેલી સવારથી દરેક ચેકપોસ્ટ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં આવશ્યક કેટેગરી સિવાયના અન્ય વાહનોને દમણમાં પ્રવેશ કરતા અટકાવી દેવામાં આવ્યા હતા. દમણની દરેક ચેકપોસ્ટ પર પહેલાની જેમ ફરી પોલીસ કાફલો અને આરોગ્ય વિભાગની ટિમ ખડકી દેવાઈ છે.