ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણમાં 144ની કલમ લાગુ, વિરોધ કરનાર લોકોની અટકાયત

દમણ : પ્રશાસન દ્વારા શુ્ક્રવારના રોજ ગેરકાયદેસર ઘર બનાવી વર્ષોથી વસવાટ કરતા લોકોના ઘર તોડી પાડતા અસરગ્રસ્તોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં શનિવારે રાજીવગાંધી સેતુ માર્ગને બંધ કરી આક્રોશ ઠાલવ્યા બાદ રવિવારે પણ લોકોનો આક્રોશ ભુભુકતો જોઈ દમણ પ્રશાસને તેને કડક હાથે ડામી દેવા પહેલા 144ની કલમ લાગુ કરી બળપ્રયોગ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા વિરોધ કરનારા મહિલા અને પુરુષો પર લાઠીચાર્જ કરી ધરપકડ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

etv bharat

By

Published : Nov 3, 2019, 4:43 PM IST

દમણમાં મોટી દમણ લાઈટ હાઉસથી જામપોર બીચ પર દરિયાકિનારે ગેરકાયદેસર ઘર બનાવી વસવાટ કરતા લોકોના ઘર પર બુલડોઝ ફેરવી દેતા સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. આ આક્રોશને પગલે રવિવારે સવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. જેને દૂર કરવા માટે પોલીસ કાફલો ખડકી પાણીનો મારો ચલાવ્યો હતો.

દમણમાં 144ની કલમ લાગુ, વિરોધ કરનાર લોકોની અટકાયત

ત્યારબાદ પણ લોકોનું ટોળું નહીં વિખેરાતાં દમણ મામલતદાર દ્વારા 144ની કલમ લાગુ કરી હોય જેથી લોકોને શાંતિથી પોતાના ઘરે જવા અને જે રસ્તાઓ બ્લોક કર્યા છે તેને ખુલ્લા કરવાની ચેતવણી આપી હતી. જેનું લોકોએ પાલન નહીં કરતા આખરે પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, તે દરમિયાન કેટલાક યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ વધુ એક ટોળું રાજીવ ગાંધી સેતુ બ્રિજ પર પહોંચી જતા પોલીસે ત્યાં પહોંચી વિરોધ કરી રહેલી મહિલાઓની ધરપકડ કરી હતી અને તમામને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં.

હાલ સમગ્ર મોટી દમણમાં પ્રશાસને 144ની કલમ લાગુ કરી છે. જ્યારે આ સમગ્ર મામલે દમણ કલેકટર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું. કે, હાલ પરિસ્થિતિ કાબુમાં છે. આ કોઈ મોટો ઇસ્યુ નથી. તેમ કહી વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકાર ગરબોને ઘરનું ઘર આપવાનું સપનું બતાવી રહી છે, ત્યારે ચૂંટણી વખતે નેતાઓના વાયદાઓ માની ખોબલે ખોબલે મત આપનાર આ ગરીબ લોકોના ઘર પર પ્રશાસને બુલડોઝર ફેરવી દેતા લોકોમાં ખૂબ જ આક્રોશ વ્યાપ્યો છે. એક પણ નેતા તેની ખબર સુધ્ધાં કાઢવા ફરકયા નથી, ત્યારે લોકોનો આક્રોશ કદાચ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી દહેશત સેવાઇ રહી છે.

હાલમાં તો પોલીસે પોતાનો બળપ્રયોગ કરી અંદાજિત 80 જેટલા લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે લોકોના આક્રોશને ડામવા હજુ પણ બળપ્રયોગ કરશે કે પછી સ્થાનિક નેતાઓની દખલગીરીથી મામલો થાળે પાડશે.

ABOUT THE AUTHOR

...view details