- દાદરા નગર હવેલીમાં કોવિડ વેક્સિનનું આગમન
- 5000 ડોઝ વેક્સિનનો જથ્થો આવ્યો
- 16મી જાન્યુઆરીએ વેક્સિનેશનનો પ્રારંભ કરાશે
સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે કોવિડ વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોચ્યો છે, જેથી સ્વાસ્થ્ય કર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. 13મી જાન્યુઆરીએ કોવિડ વેક્સિન વાનમાં આ જથ્થો સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે આવ્યો હતો. સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનારી કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા ખાસ રસી તૈયાર કરવામાં આવી છે. ભારતમાં પણ રસી તૈયાર થયા બાદ રસીકરણ પહેલા ખાસ ડ્રાય રન યોજાયું હતું, ત્યારે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ માટે પણ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રથમ વેક્સિનના જથ્થાને મોકલવામાં આવ્યો છે.
વેક્સિનને વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે સુરક્ષિત રખાઈ
વેક્સિન વાનમાં દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે પહોંચેલી રસીને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે સુરક્ષિત કરવામાં આવી છે. આ અંગે વિનોબા ભાવે હોસ્પિટલના તબીબ ડૉ. અનિલ માહલાએ ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે, જેની રાહ જોવાતી હતી તે કોરોના સામેના રામબાણ ઈલાજ તરીકેની વેક્સિન દાદરા નગર હવેલીમાં આવી ગઈ છે.