દાહોદ: વિશ્વભરમાં વકરતા કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાતા દાહોદ જિલ્લામાં પણ ઔદ્યોગિક એકમોમાં કામગીરી બંધ કરવામાં આવી હતી. જેના કારણે શ્રમિકો કામ વિહોણા બનતા તેમની આર્થિક સ્થિતિ બગાડવા પામી હતી.
વહીવટી તંત્ર દ્વારા કાયદા સાથે શ્રમિકોના હિતમાં મિલ માલિકો સાથે બેઠક યોજી યોગ્ય નિર્ણય કરતા કામદારોને પગારનું મહેનતાણું મળ્યું છે. આ બાબતે સરકારી શ્રમ અધિકારી પ્રિયંકા બારિયાએ આ બાબતની વિગતો આપતા જણાવ્યું કે, લોકડાઉનમાં કામદારોને તેમનો પગાર મળતો રહે એ માટે કલેક્ટર વિજય ખરાડી દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત દાહોદ જિલ્લામાં આવેલી નોકરીદાતાઓ એવી સંસ્થાઓની યાદી મેળવવામાં આવી હતી.
દાહોદની 200 સંસ્થાઓ દ્વારા કામદારોને રૂપિયા 4.63 કરોડ પગાર પેટે ચૂકવાયા જે બાદ દાહોદમાં આવેલી સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કારખાનેદારોને સમજ આપવામાં આવી હતી. કામદારો પ્રત્યે સંવેદના દાખવવા જણાવાયું આવ્યું હતું. જેના પરિણામરૂપે કારખાનાના માલિકો દ્વારા પણ માનવતાસભર નિર્ણય લેવામાં આવ્યો હતો. કામદારોને તેમના પગારના ચૂકવણા કરવામાં આવ્યા છે. તા. 13 સુધીમાં 200 ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કુલ 4362 કામદારોને રૂ. 46355130ની ચૂકવણી કરવામાં આવી છે.
તારીખ 4ના 20 સંસ્થાઓ દ્વારા 167 કામદારોને રૂ. 14.82 લાખ, તારીખ 5ના રોજ 19 સંસ્થાઓ દ્વારા 193 કામદારોને રૂ. 17.58 લાખ, તારીખ 6ના રોજ 30 સંસ્થાઓ દ્વારા 489 કામદારોને રૂ. 82.53 લાખ, તારીખ 7ના રોજ 30 સંસ્થાઓ દ્વારા 1612 કામદારોને રૂ. 1.63 કરોડ, તારીખ 8ના રોજ 29 સંસ્થાઓ દ્વારા 495 કામદારોને રૂ. 45 લાખ અને તારીખ 9ના રોજ 30 સંસ્થાઓ દ્વારા 586 કામદારોને રૂ. 54.86 લાખ તથા તારીખ 13ના રોજ 3 સંસ્થાઓ દ્વારા 248 કામદારોને રૂ. 24.29 લાખના ચૂકવણા કરવામાં આવ્યા છે.
દાહોદમાં જરૂરી ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતી નાની મોટી મળી કુલ 58 જેટલી ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા તેમને ત્યાં કામ કરતા 509 જેટલા કામદારો માટે રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને પરિણામે 4000થી પણ વધુ કામદારોને લોકડાઉન દરમિયાન સંભવિત આર્થિક સંકડામણની સમસ્યા દૂર થવા પામી છે.