- દાહોદમાં પરિણિતાને ક્રૂર રીતે સજા આપવામાં આવી હોવાનો વીડિયો થયો વાઇરલ
- ઢોર માર મારીને કપડા ફાડવામાં આવ્યા, પતિને ખભે બેસાડી ગામમાં ફેરવી
- પરિણિતાએ પતિ સહિત કુલ 19 લોકોના ટોળા વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
દાહોદ : એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો થઈ રહી છે, એવામાં સ્ત્રીઓ પર જ ક્રૂર રીતે અત્યાચાર થતો હોવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો તાજેતરમાં દાહોદમાં નોંધાયો છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં પ્રેમી સાથે ભાગેલી પરિણિતાને તેનો પતિ અને સાસરિયા શોધી લાવ્યા હતા અને ગામ વચ્ચે તેણીને ઢોર માર મારીને કપડા ફાડી નાંખ્યા હતા. આ વાત માત્ર ત્યાં સુધી જ સીમિત ન રહી હતી. ત્યારબાદ પતિને ખભે બેસાડીને પરિણિતાને આખા ગામમાં ફેરવી હતી.
વીસેક લોકો 6ઠ્ઠી જુલાઈના રોજ પકડીને લાવ્યા હતા
ધાનપુરના ખજૂરી ગામે રહેતી 23 વર્ષીય પરિણીતા થોડા સમય અગાઉ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેની અદાવક રાખીને તેનો પતિ અને સાસરિયાઓ તેણીની સતત શોધખોળ હાથ ધરી રહ્યા હતા. 6ઠ્ઠી જુલાઈના રોજ તેમને પરિણિતા મળી આવતા ખજૂરી ગામે લઈ આવ્યા હતા. જ્યાં જાહેરમાં તેણી સાથે ક્રૂરતાભર્યું વર્તન કર્યું હતું.