દાહોદઃ જિલ્લામાં ચોમાસુ પાકના વાવેતર સાથે હલકી ગુણવત્તાના રાસાયણિક ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યુ હોવાની બૂમો ઉઠવા લાગી હતી. જેથી ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા આકસ્મિક દરોડા દરમિયાન ગરબાડામાંથી ગેરકાયદેસર વેચાણની 195 રાસાયણિક ખાતરની થેલી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વર્ષાઋતુના આગમન પહેલા અને પછી જિલ્લાના ધરતીપુત્રો દ્વારા સર્ટિફાઇડ બિયારણ તેમજ રાસાયણિક ખાતરની ખરીદી એગ્રો સેન્ટર પરથી કરવા માટે ખેડૂતોની લાઈનો લાગતી હોય છે. ટૂંકા ગાળામાં ખરીફ પાકનું વાવેતર કરવાનું હોવાના કારણે આ સમય દરમિયાન કમાઇ લેવાની લાલચમાં કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે નકલી સીડ્સ અને હલકી ગુણવત્તાનું યુરિયા ખાતરનો જથ્થો પણ વેચવામાં આવતો હોવાની માર્કેટમાં બૂમ ઉઠવા લાગી હતી.
જેથી જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કૃષિ વિભાગને લાયસન્સ વિનાના અને હલકી ગુણવત્તાના ખાતર વેચતા વેપારીઓ સામે કડકમાં કડક પગલા લેવા સપષ્ટ સૂચના આપવામાં આવી છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડામાં રિલાયન્સ પેટ્રોલ પંપની સામે દલસિંગભાઇ રાઠોડની દુકાનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.