દાહોદઃ જિલ્લા સેવા સદન મૂકામે કોરોના વાયરસને લઈને જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંભવિત ખતરા સામે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. અહીંની જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં વેન્ટીલેટર ઉપરાંત દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શંકાસ્પદ દર્દીઓ માટે ક્વોરેન્ટાઇન લોકેશન નક્કી કરી નાખવામાં આવ્યું છે.
દાહોદ નગર અને જિલ્લાની સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કલેક્ટરની સૂચના - corona virous effect in gujarat
વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલા સંક્રમણકારી વાયરસ કોરોનાને પ્રસરતો અટકાવવાને લઇ દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની કલેક્ટર વિજય ખરાડીએ બેઠકમાં આ અંગે સમીક્ષા કરી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સહિતની બાબતો અંગે આપવામાં આવેલી સૂચનાઓનો અમલ થાય એ જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
તાકીદની બેઠકમાં ઉપસ્થિત શિક્ષણ, આંગણવાડી, આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીને રાજ્ય સરકારની સૂચનાઓની અસરકારક અમલ કરવા માટે કલેક્ટર ખરાડીએ જણાવ્યું હતું. દાહોદ નગર અને જિલ્લાની શાળાઓ, મહાવિદ્યાલયો, આંગણવાડીઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા જણાવ્યું હતું.
જો કે, છાત્રો નિર્ભિત રીતે પરીક્ષા આપી શકે એવા પ્રકારે આયોજન કરવા પણ તેમણે કહ્યું હતું. લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસારની પ્રવૃત્તિ કરવા પણ તેમણે સૂચના આપી છે. ખરાડીએ નાગરિકોને અપીલ કરી છે કે, કોરોના વાયરસ સામે તકેદારી સૌથી મોટો ઉપચાર છે. લોકોએ ભીડભાડવાળી જગાઓ પણ જવાનું ટાળવું જોઇએ. ખાસ કરીને રાત્રી બજાર, સાપ્તાહિક બજારમાં જવાનું ટાળવું જોઇએ. કોરોનાનો ચેપ ના લાગે તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આરોગ્યલક્ષી માર્ગદર્શિકાની ચોક્કસાઇપૂર્વક પાળવી જોઇએ. બહારથી આવી હાથ સારી રીતે ધોવા જોઇએ. માંદગીના કોઇ પણ લક્ષણ દેખાઇ તો તરત જ તબીબની સલાહ લેવી જોઇએ.