દાહોદઃ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા સુથારવાસા ગામમા દાહોદ જિલ્લા LCB પોલીસની ટીમે બાતમીના આધારે છાપો માર્યો હતો. જે દરમિયાન 1000 અને 500 રૂપિયાની રદ્દ કરવામાં આવેલી જૂની ચલણી નોટો સાથે એક ઈસમને LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે અન્ય એક ઇસમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે LCB પોલીસે ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના મુકેશ સુરસિંગ બારીયા નામના યુવક પાસે જૂની રદ્દ કરાયેલી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો છે. જૂની ચલણી નોટોની હેરાફેરીના રેકેટને પકડવા માટે LCBની ટીમે એક છટકું ગોઠવ્યું હતુ. જેના ભાગરુપે એક ડમી ગ્રાહક ઉભો કરી મુકેશનો સંપર્ક કરાવીને 16 લાખની જૂની નોટોના બદલામાં 9 લાખ રૂપિયાની નવી નોટો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી LCB પોલીસ ટીમે ડમી ગ્રાહક સાથે રહીને વોચ ગોઠવી હતી.