દોહોદમાં સરકારી અધિકારીઓને અનોખી સજા , બેઠકમાં મોડા આવતા વૃક્ષારોપણની સજા - દાહોદ જિલ્લા વહીવટી તંત્ર
દાહોદ : સમયબદ્ધતાએ સુંદર ચારિત્રનો પાયાનો ગુણ છે. અને ખાસ કરીને તમારી પાસે મહત્વપૂર્ણ દાયિત્વ કે પદ હોય તેવા સંજોગોમાં સમયાનુશાસન જનસામાન્યને અપેક્ષિત હોય છે. આ વાતની પ્રતીતિ કરાવવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદ અને સંકલનની બેઠકમાં મોડા આવનારા, ગેરહજાર રહેનારા કે પોતાના હસ્તકના ખાતાનું પ્રેઝેન્ટેશન રજૂ ન કરનારા અધિકારીઓને 10 વૃક્ષો વાવવાની શિક્ષા કરવામાં આવી છે.
આ નવતર પ્રયોગ પાછળ ફરિયાદ અને સંકલનની બેઠક છે. પ્રતિ માસના ત્રીજા શનિવારે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં મળતી ફરિયાદ અને સંકલનની બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લોકહિતલક્ષી ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવે છે. તદ્દઉપરાંત રાજ્ય સરકારની તમામ કચેરીઓ દ્વારા જે તે માસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. આ બેઠક મહત્વપૂર્ણ હોય છે. પરંતુ, ભૂતકાળમાં અનુભવો એવા થયા કે કેટલાક અધિકારીઓ ફરિયાદ અને સંકલનની બેઠકમાં મોડા આવે, માંગેલી વિગતો પૂરી પાડવામાં ન આવે કે બેઠકમાં ગેરહાજર રહેતા હોય છે. આવા કિસ્સામાં જિલ્લાના વડા તરીકે કલેક્ટર પાસે સત્તા હોય છે કે, આવા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે, નોટિસ આપી કારણો પૂછી, તેને ઠપકો આપી શકે છે. આવા અધિકારી સામે શિસ્તભંગના કાર્યવાહી કરવા સંબંધિત ખાતાના વડાને જણાવી શકે છે.