દાહોદ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણમાં આવેલા અને દાહોદની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ચાર દર્દીઓએ કોરોના વાઇરસને હરાવીને કોરોના મુક્ત બન્યા છે. આ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવવાના કારણે હોસ્પિટલમાંથી તાળીઓ વગાડીને રજા આપવામાં આવી છે દાહોદની હોસ્પિટલમાં 22 દર્દીઓ સાજા થયા છે જ્યારે 12 દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે
દાહોદમાં વધુ 4 દર્દીઓએ કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી રજા અપાઇ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં આવ્યા બાદ ઝાયડસ હોસ્પિટલમાં 23 વર્ષીય શબાનાબેન પઠાણ, 56 વર્ષના બુચીબેન ભાભોર, 27 વર્ષીય નિયાજુદ્દીન કાજી, 45 વર્ષીય નફિસાબેન પઠાણ સારવાર લઇ રહ્યા હતા. આ ચારેયને હોસ્પિટલમાં સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડો. મોહિત દેસાઇ અને તેમની ટીમે તેમની સારવાર કરી હતી. દસ દિવસની લાગલગાટ સારવાર દરમિયાન તેમનામાં કોરોનાના કોઇ જ લક્ષણ ન જણાયા હતા. તેથી તેમને આજે રજા આપવામાં આવી હતી. સ્ટાફે તાળીઓ વગાડી ચારેય દર્દીઓને વિદાય આપી હતી.
રજા મળતી વેળાએ ભાવુક બનેલા નિયાજુદ્દીન કાજીએ જણાવ્યું કે, અમે અહીં બહુ જ સારી સારવાર મળી છે. અમે હોસ્પિટલના ડો. દેસાઇ અને બીજા સ્ટાફના આભારી છીએ. સ્ટાફે પણ અમારી ખૂબ જ દરકાર રાખી છે. કોરોનાથી કોઇએ ડરાવની જરૂર નથી. તેની સામે સાવચેતી રાખવી જરૂરી છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે એવું કરવું જોઇએ.
દાહોદમાં કોરોના વાઇરસથી હાલ 5350 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને 91 લોકો સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં છે.