દાહોદ SOG અને LCB નુ સંયુક્ત ઓપરેશન રહ્યું સફળ
3 ખેતર માંથી 2,74,54,000 નો ગાંજો ઝડપી પડાયો
પોલીસે ખેતર માલીક માંથી એકની ધરપકડ કરી, બે ફરાર
દાહોદ : દાહોદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ સ્ટાફે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના હાંડી ગામે મછાર ફળિયાના ખેતરોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. વાવેતર કરાયેલ ખેતરોમાં તપાસ દરમિયાન વિક્રમ નારસીંગભાઈ મછાર સહિત અન્ય બે વ્યક્તિઓના ખેતરોમાં મોટા પ્રમાણમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ હતું. મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરેલ હોવાના કારણે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પણ ચોકી ઉઠ્યો હતો. ગાંજાના છોડોની ગણતરી કરતા 2,318 છોડ મળી આવ્યા હતા. આ ગાંજાના જથ્થાને પોલીસ દ્વારા પંચનામા સાથે કબજે કરવામાં આવ્યા છે. ગાંજાના જથ્થાની કિંમત આશરે 2,74,54,000 પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
દાહોદ SOG પોલીસે કરોડોનો ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો SOG પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરાયો
પોલીસે આ મામલે વિક્રમ નારસીંગભાઈ મછારને ઝડપી પાડ્યો હતો. જ્યારે હિંમત જોખનાભાઈ મછાર અને સરતન શાન્તુભાઈ મછાર પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. આટલા મોટા પ્રમાણમાં ગેરકાદેસર રીતે ગાંજાનું વાવેતર કોની નજર હેઠળ કરવામાં આવ્યું હશે? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમગ્ર મામલે SOG પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરી ફરાર બે ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. તેમજ SOG પોલીસે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો : મોતીપુરા ગામમાં દારૂ પીનારાઓની ખેર નહીં, પીંજરામાં પસાર કરવી પડે છે આખી રાત
આ પણ વાંચો : કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ