દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડ ખાતે ગણેશ અને તાજીયા વિર્સજનને અનુલક્ષીને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શહેરના ગણેશ મંડળો અને તાજીયા સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. તેમની સાથે આગામી તહેવારોની વ્યવસ્થા બાબતે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને દરેક ઉત્સવોની ઉજવણી કરવા જણાવ્યું હતું. શહેરના છાબ તળાવમાં વિર્સજન કરવાથી ભવિષ્યમાં પર્યાવરણની ગંભીર સમસ્યાઓ થઇ શકે છે માટે અત્યારથી જ તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તાતી જરૂરીયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
દાહોદમાં તાજીયા અને ગણેશ વિસર્જન સંદર્ભે બેઠક યોજાઈ - ગુજરાતી ન્યુઝ
દાહોદઃ કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને ગણેશ અને તાજીયાના વિર્સજનને અનુલક્ષીને બેઠક યોજાઇ હતી. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ કોમી એખલાસનું વાતાવરણ સર્જાય તે માટે ચર્ચા-વિચારણા કરાઈ હતી. તહેવારો નિમિત્તે શિસ્તતાનું પાલન થાય તેના પર કલેક્ટર વિજય ખરાડીએ ભાર મુક્યો હતો.
લોકો માટીની – ઇકો ફ્રેન્ડલી મૂર્તીઓની સ્થાપના કરે , ડીજે સાઉન્ડ સીસ્ટમનો પોતાના વિવેક પ્રમાણે ઉપયોગ કરે અને ઉત્સવ મેળાવડામાં પ્રજા જાતે જ શિસ્તનું પાલન કરે તેના પર ભાર મૂકયો હતો. બેઠકમાં જિલ્લાના પોલીસ વડા હિતેશ જોયસરે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ થવા જણાવ્યું હતું. અસામાજીક તત્વો બાબતે ખાસ તસ્દી લેવા જણાવ્યું હતું. બેઠકમાં દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર, શહેરના ગણેશ મંડળો અને તાજીયા સમિતિના આંગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા તહેવારોની શાંતિપૂર્વક ઉજવણી કરી કોમી એક્તાનું ઉદાહરણ પુરુ પાડશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. તેમજ ગણેશ મંડળો અને મુસ્લિમ આગેવાનો પાસે અભિપ્રાયો પણ માંગવામાં આવ્યા હતાં.