દાહોદઃ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આહ્વાન કરતા જણાવ્યું કે, કોરોના વાઇરસના કેસ મળ્યા બાદ જાહેર કરવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે જે તે વિસ્તારોના અગ્રણીઓ આગેવાન લે તે જરૂરી છે. આગેવાનો પોતાના વિસ્તારમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવા, કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવા ઉપરાંત આરોગ્યની દરકાર રાખવા સમજાવે.
દાહોદ જિલ્લામાં આવેલા કન્ટેઇન્મેન્ટ ઝોન અંગે જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને બાબત આવી છે કે, તે વિસ્તારોમાં લોકોની અવરજવર ચાલુ રહે છે. નિયંત્રિત વિસ્તારમાં રહેતા લોકો પણ પોતાની ઘરની બહાર નીકળે છે. તેના કારણે કોરોના વાઇરસ વધુ ફેલાવાની શક્યતા રહે છે. જેથી દાહોદમાં કોરોના વાઇરસને કાબૂમાં લાવવા માટે કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવું જ પડશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકો અવરજવર ના કરે તેની તકેદારી લેવી પડશે.