દાહોદ: જિલ્લામાં જમીનમાં હિસ્સા માપણીમાં સંમત્તિ ન હોવા છતાં માપણી થયેલી જમીન બાબતે એક જાગૃત નાગરિકે વાંધા અરજી કરી હતી. જે અરજીમાં કામ કરી આપવા અંગે દાહોદ સીટી સર્વે કચેરીના પટાવાળાએ નાગરિક પાસેથી રૂપિયા 5,000 હજાર લાંચની માગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આ લાંચની રકમ આપવાને બદલે દાહોદ ACB પોલીસનો સંપર્ક કરી પટાવાળાને રૂપિયા 4,300ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
દાહોદ સીટી સર્વેનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
દાહોદ જિલ્લામાં ACB પોલીસે સીટી સર્વે કચેરીના પટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. પટાવાળાએ વાંધા અરજીમાં કામ કરી આપવા માટે રૂપિયા 5,000 લાંચની માગણી કરી હતી.
જિલ્લાના ઘુઘસ ગામે આવેલા સર્વે નંબર 89 વાળી જમીનો સંમતિ ન હોવા છતાં સર્વે કરવામાં આવ્યો હતો. જેથી જાગૃત વ્યક્તિ આ સંદર્ભે વાંધા અરજી કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ દાહોદ જિલ્લા સીટી સર્વે કચેરીમાં આવ્યો હતા અને આ કચેરીના આઉટસોર્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવનારા કૈલાશ નિનામા સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. આ દરમિયાન પટાવાળા કૈલાશે કામ કરી આપવા માટે રૂપિયા 5,000 લાંચની માગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે રૂપિયા 700 આપ્યા હતા. જેથી પટાવાળાએ બાકીના રૂપિયા 4,300 માગણી કરી હતી, પરંતુ જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા માંગતો નહોતો. જેથી તેમણે દાહોદ ACB પોલીસનો સંપર્ક કર્યો હતો.
દાહોદ ACBએ બુધવારે દાહોદ સીટી સર્વેની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતુ. આ દરમિયાન પટાવાળા કૈલાશ નિનામા જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 4,300ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી ACB કચેરીના પોલીસ ઈન્સ્પેક્ટરે આગળની કાર્યવાહી હાથ ધરી છે.