દાહોદઃ કોરોનાની મહામારી વચ્ચે રમઝાન માસ શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના મુસ્લિમ સમાજ અને વ્હોરા સમાજના પ્રતિનિધિઓ સાથે શાંતિ સમિતિની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. જેમા નમાઝ ઘરે રહીને અદા કરવાની સહમતી કરવામાં અવી હતી.
આ બેઠકમાં રમજાન માસ દરમિયાન રોઝા-નમાજ અને તહેવારની ઉજવણી દરમિયાન લોકડાઉનના ચુસ્ત પાલન અને સરકારી જાહેરનામાનાં પાલન સાથે કરવા માટે સહમતી સાધવામાં આવી હતી.
મુસ્લિમ અને વહોરા સમુદાયનો પવિત્ર રમઝાન માસની થોડા દિવસમાં શરૂઆત થવાની છે, ત્યારે કોરોના મહામારીને કટોકટીના સમયે જિલ્લા સમાહર્તા વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઇ હતી.
આ શાંતિ સમિતિની બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, આ વખતે પવિત્ર રમજાન માસની ઉજવણી વખતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે, કોરોના સંક્રમણ દુનિયાભરમાં વધી રહ્યું છે અને ફક્ત ઘરે રહીને આ રોગને દૂર રાખી શકાય છે.
ઉત્સવની ઉજવણી દરમિયાન સરકાર દ્વારા કોરોના સંક્રમણ સામે બહાર પાડવામાં આવેલા નિર્દેશો અને સરકારી જાહેરનામાનું ચુસ્ત પાલન થાય તે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, ધાર્મિક મેળાવડાઓથી બિલકુલ દૂર રહેવું જોઇએ. નમાજ પણ ઘરે રહીને જ અદા કરવી જોઇએ.