સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના બેડપા ગામે પીવાનુ પાણી એકદમ ડોહળુ આવવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. બેડપા ગામના વડપાડા, કસ્તુરીપાડા, મૂળગામ, પટેલપાડા વિસ્તારમા 10 દિવસથી દુષિત પાણીના કારણે પાણીજન્ય બીમારીએ માજા મૂકી છે. આ અંતરીયાળ ગામના દરેક ઘરમાં બેથી ત્રણ વ્યક્તિઓ તાવ-શરદી-માથાનો દુખાવો જેવી બીમારીના શિકાર બની રહ્યા છે.
ગામના બીમાર દર્દીઓથી નજીકમાં આવેલ માંદોની આરોગ્ય કેન્દ્ર ઉભરાયું છે. કેટલાક દર્દીઓ દવાખાનામાંથી દવા લઈને આવે છે. પણ એની કોઈ જ અસર જોવા મળતી નથી. જેથી દર્દીઓને સાજા કરવા પરિવારજનોએ ખાનવેલ સબ સેન્ટરમા સારવાર માટે લઇ જવાની ફરજ પડી છે. ગામના લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોવા છતાં પણ અમિત શાહના આગતા સ્વાગતામાં લાગેલ દાદરાનગર હવેલી આરોગ્ય વિભાગ અને પ્રસાશનના અધિકારીઓ હજુ સુધી અહીં ફરકયા નથી.
દાદરાનગર હવેલીના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમાં ફાટ્યો રોગચાળો સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ વિગતો મુજબ કાસ્તુનીપાડામા 130 જેટલા ઘરો છે. તેમાથી 70થી વધુ લોકો બીમારીનો ભોગ બની ગયા છે. જેમા નાના ભૂલકાઓ પણ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે. બે દિવસ પહેલા સીંદોની પંચાયતના સરપંચે ગામની મુલાકાત લીધી હતી. ત્યારે, પીવાના પાણીની લાઇનમાંથી દુષિત પાણી આવતુ હોવાનુ જોતા તાત્કાલિક પ્રસાશનના અધિકારીઓને જાણ કરી હતી.
પરંતુ તેમાં મોડું થયું છે. અને દુષિત પાણીએ અડધા ગામના લોકોને પોતાના ભરડામાં લઇ લીધા છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહની આગતા સ્વાગતામાંથી થોડો સમય કાઢી આરોગ્ય વિભાગ ગામની મુલાકાતે આવી, અને આ અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓના આરોગ્યની સેવાને પ્રથમ ફરજ સમજી વહેલી તકે તકેદારીના પગલાં ભરે તેવી માંગ ગ્રામ્ય આદિવાસીઓમાં ઉઠી છે.