ભારત સરકારે જળશક્તિ અભિયાનનો આરંભ કરવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન 1લી જુલાઇથી 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અભિયાનમાં દેશભરના કુલ 255 જિલ્લા અને 1597 પ્રખંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે.
દાદરામાં જળ શક્તિ અભિયાન અંતર્ગત કલેક્ટરે યોજી બેઠક - Dadra nagar haveli
દાદરા: વડાપ્રધાન મોદીએ જળશક્તિ અભિયાનને દેશમાં કાર્યાન્વિત કરવા સૂચના આપી હતી. જેના અંતર્ગત સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે કરેલી પહેલને દાદરા નગર હવેલીના કલેકટર સંદિપકુમાર સિંઘે પણ વધાવી છે. જેના ઉપલક્ષ્યમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જળની સમસ્યાને દૂર કરવા અને ભવિષ્યમાં જળની આપૂર્તિને સુલભ બનાવવા માટે જળસંચય પર મનોમંથન કરવામાં આવ્યું હતું.
આ અંગે કલેક્ટર સંદીપ સિંઘે જણાવ્યું હતું કે, જળસંચય માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને સાથે સાથે ટ્રીટ કરેલા પાણીનો ઉપયોગ પણ શામેલ છે. તદઉપરાંત કુદરતી પાણીના સ્ત્રોત જેવા કે તળાવ, કૂવા, નદી-નાળા, બોરવેલના પાણીને પુનઃપ્રાપ્તિ કરી તેના ઉપયોગ માટે એકીકૃત સ્ત્રોત વ્યવસ્થા પર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે જિલ્લા જળ સંરક્ષણ યોજના અને વૃક્ષારોપણ તથા જળ વ્યવસ્થા યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જળસંચય માટે લોકોને જાગૃત કરવા અતિઆવશ્યક છે. જે પ્રકારે જિલ્લા પ્રશાસન સ્વચ્છતાને મહત્ત્વ આપી રહ્યું છે, તે જ પ્રકારે જળસંચય માટે પણ જાગૃતતા અભિયાન ચલાવવું આવશ્યક છે. આ અભિયાનમાં સ્કૂલો, NGO, જિલ્લા પ્રશાસનના વિભાગો તથા ધાર્મિક સંસ્થાઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને શામેલ કરવા જરૂરી છે. આગામી દિવસોમાં નિર્માણાધીન સરકારી તથા ખાનગી ઇમારતોમાં જળસંચયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, ગૌચરણ તથા જંગલની જમીનમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ તથા શાળાની ખુલ્લી જગ્યામાં કિચન ગાર્ડન તથા ફળાઉ વૃક્ષો રોપીને 1લી જુલાઈથી 15મી સપ્ટેમ્બર દરમિયાન હયાત કુવા તથા બોરવેલ રિચાર્જ કરવા તેમજ ચોમાસા પછી નવા ચેકડેમ તેમજ તલાવડી બનાવવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર એચ. એન. ચાવડા, વન અધિકારી દિનેશ કાનન, સેલવાસ નગર પાલિકાના ચીફ ઓફિસર મોહિત મિશ્રા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક દરમિયાન કલેક્ટર સંદીપ કુમાર સિંહે તમામને આ અભિયાનને સફળ બનાવવા સૂચના આપી હતી.