છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામ ના બે ફળિયા સરદાર સરોવરના ડૂબમાં જતાં સ્થાનિક લોકોની દયનીય હાલત છોટાઉદેપુર:સરદાર સરોવર ડેમમાં જમીનો ગુમાવનાર આદિવાસી પરિવારો સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમ બનીને તૈયાર થઈ ગયો અને તેનું પાણી ગુજરાતના છેક કચ્છ સુધીના વિસ્તાર સુધી પહોંચી રહ્યું છે. તેના કારણે ખેડૂતોને એનો ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ માં નર્મદાના દીકરા સમાન આદિવાસી સમાજના લોકોએ ગુજરાતને લીલુંછમ કરવામાં પોતાની મહામૂલી જમીન, જન્મભૂમિ ગુમાવી અને બલિદાન આપ્યું, એ જ બલિદાન આપનાર આદિવાસી પરિવારો આજે નર્મદા નદી કિનારે રહેવા છતાં તરસ્યા રહે છે અને તેમણે અસરગ્રસ્તો વિસ્થાપિત ગણવામાં આવ્યા નથી.
"અમારી હાલત ખુબ દયનીય છે. અમારા ખેતરો ડૂબી ગયા છે. અમારે જીવન નિર્વાહ કરવા માટે કોઈ વિકલ્પ નથી સરકારને વારંવાર રજૂઆત કરી છે. છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. બે બે વાર અમે ભૂખ હડતાલ કરી છતાં સરકાર અમારા પ્રશ્નનો ઉકેલ લાવતા નથી.સરકાર અમને અસરગ્રસ્ત જાહેર કરી અમને વિસ્થાપિત કરી ખેતી માટે જમીન અને રહેવા માટે પ્લોટ આપે તેવી માંગ છે."--જામસીંગભાઇ રાઠવા (અસરગ્રસ્ત તુરખેડા ડૂબણી ફળિયા)
આ પરિવારની દયનીય સ્થિતિ: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અતિ અંતરિયાળ એવા નર્મદા નદીના કિનારે વસેલા તુરખેડા ગામના બે ફળિયાના લોકોની માલિકીની ખેતીની જમીન સરદાર સરોવર ડેમના કારણે ડૂબમાં ગઈ છે. જેમાં ધીરમટીયા આંબા અને બુડણી ફળિયાના અંદાજે 100 જેટલા પરિવારોની જમીન ડૂબમાં ગઈ છે. હાલ આ બન્ને ફળિયા ડુબ ક્ષેત્રમાં આવતા ટાપુમાં પરિવર્તિત થયા છે. એવા ધીરમટીયા આંબા અને બુડણી ફળિયાના અંદાજીત 45 પરિવારોની જમીનો ડુબાણમાં ગઈ છે. બુડણી ફળિયાના 55 જેટલા પરિવારોની જમીન ડુબાણમાં ગઈ છે. આ લોકોની સંસ્કૃતિ, આસ્થાના ધામો, મહામૂલી ખેતીની જમીન, અને ઘરો સરદાર સરોવર ડેમમાં ડૂબમાં જતા આ પરિવારોની દયનીય સ્થિતિ છે.
12 મહિના 3 દિવસ આમરણ ઉપવાસ:આ નર્મદાના અસરગ્રસ્તોએ વર્ષ 2016 માં કેવડીયા ખાતે 12 મહિના 3 દિવસ આમરણ ઉપવાસ પર બેઠા હતા. ત્યારનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ત્યારે સાંસદ રામસિંગ રાઠવા અને નર્મદા નિગમના સંબંધિત અધિકારીઓ પ્રતીક ધરણા પર બેઠેલા અસરગ્રસ્તોને પારણા કર્યા હતા. ત્યારબાદ 2022 માં 7 મહિના અને. 10 દિવસ તિલકવાડા તાલુકામાં શીરા ગામે આમરણ ઉપવાસ પર બેઠા હતા.
અંધકારમય જીવન: તુરખેડા ગામના બંને ફળિયાના લોકો માંગ એવી છે કે , "વિસ્તારની જમીનો સંપાદિત કરો અને અમને પણ અસરગ્રસ્તનો લાભ આપો. રાજ્યપાલના 1973 ના પરિપત્ર મુજબ 1 છોકરાને નોકરી, જમીનના બદલે જમીન, ઘર માટે પ્લોટ આપો તથા અસરગ્રસ્તોની અન્ય માગણીઓ પૂર્ણ કરી, આરોગ્ય, શિક્ષણ સહિતની સુવિધાઓ મળે તેવી સુવિધા આપો. રાજ્યપાલના 1973 ના પરિપત્ર મુજબ અસરગ્રસ્ત પરિવારના 1 છોકરાને નોકરી, જમીનના બદલામાં જમીન, ઘર માટે પ્લોટ આપવા તેમજ ટાપુના અસરગ્રસ્ત ગણી નર્મદાની પુનઃવર્સનની વસાહતોમાં વસાવવાની તેઓ માંગ કરી રહ્યા છે.
- Chhotaudepur News: મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા, છોટાઉદેપુર જિલ્લો સજ્જડ બંધ
- Chotaudepur News: ધોરણ પહેલા અને બીજા ધોરણના બાળકો ખુલતા સત્રથી રાઠવી અને ભીલી ભાષામાં ભણશે