- પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતું કારતુસ ઝડપ્યા
- કુલ રૂપિયા 35,700 મુદ્દામાલ કર્યો કબજે
- ભીંડોલ ચોકડી પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો
છોટા-ઉદેપુર: કરાલી પોલીસને બાતમીના આધારે ભીંડોલ ચોકડી પાસેથી એક દેશી બનાવટના તમંચા તેમજ જીવતા કારતુસ સાથે પાણીબારના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તમંચા અને જીવતા કારતૂસ સાથે કુલ રૂપિયા 35,700નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે વોચ ગોઠવી ઝડપ્યો આરોપી
કરાલી પોલીસને બાતમી મળી હતી કે, ભીંડોલ ચોકડી પાસેથી પાણીબાર ગામનો એક શખ્સ બાઈક પર તમંચા તેમજ કારતુસ લઈ જઈ રહ્યો છે. તે ચોક્કસ બાતમીના આધારે કરાલી પોલીસ સ્ટેશનના PSI આર. જે ચોટલિયા, ઇરફાનભાઇ તેમજ સ્ટાફના અન્ય પોલીસકર્મીઓએ ભીંડોલ ચોકડી પાસે આવેલા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આરોપી જયેશભાઈ બાઈક પર પસાર થતા પોલીસે બાઈકને અટકાવી તપાસ કરતા દેશી હાથ બનાવટનો તમંચો તેમજ એક જીવતું કારતુસ હાથ લાગ્યા હતા. જેથી પોલીસે જયેશભાઈ રાઠવાની અટકાયત કરી હતી.
પોલીસે કુલ રૂપિયા 35,700નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
કરાલી પોલીસે તમંચો અને કારતુસ મળી રૂપિયા 5200 તેમજ મોબાઈલ અને બાઈકની રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 35,700 મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.