શાળાઓમાં વેકેશન પડી ગયું હોવાથી બાળકો ખુલ્લા મેદાનમાં જઈને ક્રિકેટ સહિતની રમતો રમતા હોય છે. ત્યારે બુધવારે દહેગામ તાલુકાના સાપા ગામમાં કેટલાક મિત્રો ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે યુવકે બોલને ફટકારતા બોલ તળાવ કિનારે પહોંચ્યો હતો. બોલ લેવા જતા પાણી જોઈને ક્રિકેટની રમત બાજુમાં મૂકીને બધા મિત્રોને તળાવમાં પડી નાહવાનો વિચાર આવ્યો હતો. ત્યારે નાહવા પડેલા બાળકો ડૂબવા લાગતા 2 જાતે બચાવ કરીને બહાર નિકળી ગયા હતા. જ્યારે બીજા બે મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ક્રિકેટ રમતા બાળકોનો વિચાર બદલાયો, તળાવમાં નાહવા પડેલા 2 મિત્રોના મોત - gandhinagar
ગાંધીનગરઃ દહેગામ તાલુકાના સાપા ગામમાં બુધવારે તળાવમાં ડૂબી જવાથી 2 મિત્રોના મોત થયા હતા. ગામની પાસે આવેલા ખાલી મેદાનમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન બોલ તળાવ પાસે ગયો હતો. ત્યારબાદ ક્રિકેટ રમતા મિત્રોનો વિચાર બદલાયો અને 4 મિત્રો તળાવમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન 2 મિત્રોના તળાવમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 2નો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનામાં 10 વર્ષિય અરમાન રમજાન ભાઈ મન્સુરી અને 15 વર્ષિય ચિરાગ કેશવભાઈ ઠાકોર તળાવમાં ડૂબી જવાથી બન્નેનું મોત થયું હતું. જ્યારે 12 વર્ષિય કલવ દશરથભાઈ ઠાકોર અને 13 વર્ષિય કલ્પેશ પ્રવિણભાઈ ઠાકોરનો આબાદ બચાવ થયો હતો. તળાવમાં નાહવા પડેલા બાળકો ડૂબતા સ્થાનિકો દ્વારા દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી નહિ આવતા ગામના જ એક દેવીપૂજક યુવાન દ્વારા બાળકોને બચાવવા માટે તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી 2ને ઉગારી લીધા હતા. પરંતુ અન્ય 2 બાળકોને બચાવી ન શકતા મોતને ભેટ્યા હતાં.