બનાસકાંઠા જિલ્લામાં ચોરી અને લૂંટ જાણે સામન્ય બની ગઈ હોય તેમ ચોરો એક પછી એક નાની મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે આજરોજ ડીસામાં એક કાપડના શોરૂમમાં તસ્કરોએ ચોરી કરી છે. તસ્કરોએ દુકાનના ધાબા ઉપરથી દુકાનમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
તસ્કરોને પણ લાગ્યો બ્રાન્ડેડ કપડાનો શોખ, કપડાના શોરૂમમાં કર્યો હાથ ફેરો - gujarati news
બનાસકાંઠાઃ ચોરી તો ઘણા પ્રકારની હોય છે. પરંતુ આજે ડીસામાં તસ્કરોએ બ્રાન્ડેડ કાપડની દુકાનને નિશાન બનાવીને બ્રાન્ડેડ કપડાની ચોરી કરી ગયા હતા. કપડા ચોરી કરવા માટે શોરૂમમાં પ્રવેશેલા તસ્કરો પૈકી એક ચહેરો શોરૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા. હાલ દુકાન માલિકે ડીસા ઉત્તર પોલીસ મથકે જાણ કરતા ડીસા ઉત્તર પોલીસે CCTV આધારે વધુ તપાસ હાથ ધરી છે.
દુકાનોમાં ચાર તસ્કરો પ્રવેશ્યા હોવાનું દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. ચોરી કરવા આવેલા તસ્કરોએ એકદમ શાંતિપૂર્વક અને ઠંડા કલેજે ચોરી કરી હતી. આ શોરૂમમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ દુકાનમાં લાગેલા CCTV કેમેરાને ફેરવી દેવાની કોશિશ કરી હતી પરંતુ તે દરમિયાન આ તસ્કરો માંથી એક તસ્કર CCTVમાં કેદ થઈ ગયો હતો. શોરૂમના માલિકના જણાવ્યા અનુસાર તસ્કરોએ દુકાનમાં એક એક બ્રાન્ડેડ કપડાની પસંદગી કરીને ચોરી કરી હતી. દુકાનમાં કેટલી ચોરી થઇ તેનો હજુ સુધી કોઈ અંદાજો લગાવી શકવામાં આવ્યો નથી. આ ઘટના બાદ તાત્કાલિક ડીસા શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.