ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ST) દ્વારા પ્રજા-મુસાફરોની સરળતા માટે સ્ટેશનો અને બસ સુવિધાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુખ્યપ્રધાને પ્રજાની સેવામાં મૂકાયેલી 50 વૉલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી જોડવા પણ તૈયારીઓ ચાલી રહી છે. ગરીબ પરિવારોમાં લગ્ન જેવા ખૂશીના પ્રસંગોએ 1200થી 3000 સુધીના નજીવા રાહત દરે એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય પણ લીધો હતો.
ગુજરાત એસ.ટી. નિગમ સંચાલિત રાજ્ય પરિવહનની બસોનો 25 લાખથી વધુ મુસાફરો રોજબરોજ લાભ લે છે. રાજયના તમામ એસ.ટી. ડેપોને તબક્કાવાર અપગ્રેડ કરીને મુસાફરો માટે આધુનિક સુવિધાવાળા બનાવ્યા છે અને રાજયના 99 ટકા ગ્રામ્ય વિસ્તારને એસ.ટી. સુવિધાથી આવરી લેવામાં આવી છે.
22 જૂન શનિવારે ભાવનગરના મહુવા રોડ જવાહર મેદાન ખાતે સવારે 10 વાગ્યે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યના વિવિધ 21 બસ સ્ટેશનના લોકાર્પણ, ત્રણ બસ સ્ટેશન અને બે સ્ટાફ કોલોનીનાં ખાતમુહૂર્ત, નવીન મીની બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી બસો તથા ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઈલ (TEAM) વાનનો લોકાર્પણ સમારોહ યોજાશે.
સુરત જિલ્લાના માંડવી, બારડોલી (હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જુનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર થયેલા કુલ 21 નવીન બસ સ્ટેશનોના લોકાર્પણ આ સમારોહમાં કરવામાં આવનાર છે.