બોટાદઃ મૂળ ધોલેરા તાલુકાના મુંડી ગામના વૃદ્ધ કાળુભાઈ અજુભાઈ પરમાર જે ખેતીકામ સાથે સાથે સુરતના સાડી વ્યવસાય સાથે જોડાયેલા છે, તેઓ આજે બપોરના સમયે બોટાદના પાળીયાદ રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં 9 લાખ રોકડા ભરવા માટે આવ્યા હતા, પરંતુ બેંકમાં કનેક્ટીવીટી નહીં હોવાના કારણે તેઓ આ રકમ બેંકમાં જમા કરવી શક્યા ના હતા.
બોટાદમાં 9 લાખની ચોરી, 2 લોન ભરવા જતા વૃદ્ધના 9 લાખ ચોરાયા - લાખની ચોરી
બોટાદના પાળીયાદ રોડ પર ગોલ્ડ લોન ભરવા જતા વૃદ્ધની કારનો કાચ તોડી રૂપિયા 9 લાખની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા શહેરમાં નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
કાળુભાઈ પાળીયાદ તેમની દિકરીને ઘેર જવા માટે નીકળ્યા હતા. બોટાદની એમડી સ્કૂલ પાસે તેમને કાર પાર્ક કરી હતી, ત્યારે બે અજાણ્યા ઈસમોએ આવી તેમની કારમાં પંચર છે, તેમ જણાવ્યું હતું. જે કારણે કારનું પંચર કરાવવા પંચરની દુકાન શોધવા માટે તેમને થોડે દુર ગયા હતા, આ તકનો લાભ લઈને અજાણ્યા ઈસમોએ કારનો કાચ તોડી તેમાં રાખેલા 9 લાખ રોકડા ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના અંગે વૃદ્ધ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસ આરંભી હતી. પોલીસે બોટાદ શહેરમાં આવવા જવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી અને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.