હાલમાં ભાવનગરના બંદર પર બે-ત્રણ કંપનીઓ મીઠું, કોલસો અને લાઈમસ્ટોન જેવી વસ્તુઓ લાવીને બંદરને જીવંત રાખી રહી છે તો બીજીતરફ બંદરની જેટી જર્જરિત બની ગઈ છે. જ્યારે એક જેટી તો બંધ હાલતમાં છે. GMB દ્વારા ચીઝો પરના ટેક્સમાં વધારો કરતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગ કરવામાં આવી છે કે જેટીનું રીપેરીંગ નહિ થાય તો બંદર નાશ પામશે અને ભાવનગરની વિરાસત સંભારણામાં સમાઈ જશે.
ભાવનગર શહેરના ખારગેટ વિસ્તાર નજીક રહેલા દરિયાને કારણે રજવાડાએ જુના બંદરનો વિકાસ કર્યો હતો અને મરી-મશાલાથી લઈને દેશ-વિદેશથી આયાત અને નિકાસ થતી હતી. દેશની આઝાદી બાદ રજવાડાઓના વિલય અને સરકારોના ઉદયથી જુના બંદરની પડતી થવા લાગી હતી. સરકારે કહેવા ખાતર નવા બંદરની સ્થાપના કરી હતી, પરંતુ આજે તે પણ પતન થવાના આરે પહોંચી ગયુ છે. નવા બંદર પર બે ત્રણ કંપનીઓ લાઈમસ્ટોન, કોલસો અને મીઠું વગેરેની આયાત અને નિકાસ થઈ રહી છે. બંદરની વાર્ષિક 15 કરોડ જેવી આવકને પગલે જીએમહી વિકાસ કામ કરતી હોવાનું જણાવે છે. જો કે જેટી ગમે ત્યારે પડી ભાંગે તેવા અણસાર વર્તાઈ રહ્યાં છે. હાલ ચાલુ જેટીની સામે દક્ષિણમાં આવેલી બીજી જેટી છેલ્લા આઠ માસથી બંધ છે. જેનું રીપેરીંગ હવે થઈ રહેલી આવકમાંથી GMB કરશે તેવા બણગા ફૂકી રહી છે.