ભાવનગર: શહેરમાં રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અને ગ્રેડ પે જેવા પડતર પ્રશ્નને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ કરવાની પેટર્ન શૈક્ષીક સંઘની રાજકીય પક્ષ જેવી જોવા મળી છે. બદલાયેલી પેટર્ન બાબતે શૈક્ષીક સંઘના ભાવનગર મોરચાના પ્રમુખ મહેશભાઈ મોરીએ જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના, મહાનગરપાલિકાના ગ્રેડ પે તેમજ અન્ય પડતર પ્રશ્નને લઈને અમે આંદોલન કરી રહ્યા છીએ. 2 ઓક્ટોમ્બર અમે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પણ અર્પણ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય અને સાંસદના ઘરે જઈને રજૂઆત કરી હતી. આજે શહેરના અલગ-અલગ ત્રણ રૂટ ઉપરથી મૌન પદયાત્રા દ્વારા ફરી મહાપંચાયતનું આયોજન કર્યું. આ ત્રણ રૂટ એટલે રાખવામાં આવ્યા છે કે, જન સમુદાયને પણ ખબર પડે કે કર્મચારીઓનો આ પ્રશ્ન છે. શિક્ષકોનો આ પેન્શનનો પ્રશ્ન છે એટલે ત્રણ રૂટ ઉપર મૌન રેલી યોજી હતી. અમે રેલી દ્વારા લોકોને પણ જોડવા માંગતા હતા.
ભાવનગરમાં શૈક્ષીક સંઘે રાજ્ય સરકાર સામે કર્યો ગામઠી શૈલીમાં વિરોધ, જૂની પેન્શન યોજના અને ગ્રેડ પે જેવા પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ
જૂની પેન્શન યોજના અને ગ્રેડ પે જેવા પડતર પ્રશ્નને લઈને ભાવનગરમાં શૈક્ષીક સંઘે સરકાર સામે મોરચો માંડ્યો છે. જે અંતર્ગત સંયુક્ત મોરચો બનાવીને શહેરના વિવિધ રૂટ પર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ ઉપરાંત મહાપંચાયત યોજીને ગામઠી ભાષામાં વિરોધ નોંધાવ્યો હતો.
Published : Dec 10, 2023, 9:22 AM IST
શૈક્ષીક સંઘની મહાપંચાયત: ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય શૈક્ષીક સંઘ દ્વારા અલગ-અલગ વિરોધ યોજવામાં આવ્યો હતો. ત્યારે પદયાત્રા બાદ અંતે મહાપંચાયત યોજવામાં આવી હતી. ત્યારે શૈક્ષીક સંઘના સંયુક્ત મોરચાના આગેવાન તરુણ વ્યાસે જણાવ્યું હતું કે, અમે ઘણા સમયથી અમારા પ્રશ્નોની રજૂઆત કરતા હતા. એટલે અમે એવું વિચાર્યું કે આપણે કાંઈક અલગ કરીએ ગ્રામ્ય જીવનની વર્ષોની પરંપરા છે, તે ગામના નાના-મોટા માણસને સરપંચ અને આગેવાન સાંભળતા હતા. એટલે અમે ગ્રામ્ય જીવન પર મહાપંચાયતનું આયોજન કર્યું છે. અમારી જે લાગણી છે તેને સમજો એક સરપંચ જો સમજી શકતા હતા તો સરકાર પણ ન સમજી શકે ?
ચૂંટણી ટાણે જ સરકાર સાંભળે છે: ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના અન્ય સંયુક્ત મોરચા દ્વારા મૌન પદયાત્રા યોજવામાં આવી હતી અને ત્યારબાદ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મહાપંચાયતના શિક્ષક આગેવાન તરુણ વ્યાસે જણાવ્યું હતું કે અત્યારે એવું થઈ ગયું છે કે ચૂંટણી હોય ત્યારે જ સમાધાન હોય છે. ગયા વખતે અમારા પ્રશ્નો હતા, ત્રણ ચાર વર્ષ લડત આપી અને વિઘાનસભાની ચૂંટણી આવી ત્યારે અમારા પ્રશ્નો સાંભળ્યા અને હલ પણ કર્યા, એટલે અમને લાગે છે કે ચૂંટણી હોય ત્યારે સરકાર સાંભળે છે બાકી નહીં.