ભાવનગર: વિશ્વભરમાં જૈન તીર્થક્ષેત્ર તરીકે સદીઓથી પાલીતાણાનું નામ પ્રખ્યાત છે. દુનિયાભરમાં વસતો જૈન સમુદાય પોતાના જીવનમાં એક વખત તો અચૂક પાલીતાણાની મુલાકાત લે જ છે. પાલીતાણા જૈન સમુદાયના આધ દેવો ગુરુ ભગવંતો માટે પ્રચલિત છે. આ ઉપરાંત અહિંસાની મહાનગરી પાલીતાણા અત્રે થતી અલગ-અલગ સામાજિક સંસ્થાઓ જેમાં ખાસ કરીને મહિલા ઉત્થાન માટેની કામગીરી માટે પણ સારું એવું કાઠું કાઢ્યું છે.
મહિલાઓ માટે ઉજ્વળ ભવિષ્ય એવી ભગિની મિત્ર મંડળ સંસ્થા એક જૈન સદ્ ગૃહસ્થ વર્ષો પૂર્વે કલકત્તાથી આર્થિક સંકડામણ અને વિશાળ કુટુંબ કબીલાના ભરણપોષણ અર્થે સ્થળાંતર કરી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવી વસ્યો હતો. આ પરિવારમાં લીલાબેન કપાસી નામની મહિલાએ પોતાના ગૃહસ્થાશ્રમના પ્રારંભિક દિવસોમાં દરેક પ્રકારે કષ્ટ વેઠ્યું હતું. એ દરમિયાન તેમણે મનોમન સંકલ્પ કર્યો હતો કે, મેં જે પ્રકારે ગરીબી યાતનાઓ વેઠી છે. એવી તકલીફ હવે પછી આવનાર સમયમાં ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને ન વેઠવી પડે. બસ આ મક્કમ નિર્ણય એ ભગિની મિત્ર મંડળનો પાયો નાખ્યો અને વર્ષ બાદ વર્ષ પસાર થતા ગયા અને દાતાઓનો સહયોગ કુશળ વહીવટી ટ્રસ્ટીગણની કાબેલિયતથી ફલશ્રુતિએ આજે આ સંસ્થા વિશાળ વટવૃક્ષ બની છે.