એક્સપોર્ટ ક્વોલીટીની ડુંગળીની સુકી ચિપ્સને કિબલ કહેવામાં આવે છે. જ્યારે ડુંગળીને સુકવી અને તેની ચિપ્સ કે, પાવડર બનાવતા પ્લાન્ટને ડીહાઈડ્રેશન પ્લાન્ટ કહેવાય છે. અંદાજીત 5 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ડિહાઇડ્રેશન પ્લાન્ટની સંખ્યા દેશમાં 150 છે, જેમાંથી 140 પ્લાન્ટ તો ગુજરાતમાં છે અને તેમાંથી પણ 110 તો ખાલી મહુવામાં આવેલા છે. ભાવનગર એ રાજ્યમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદન કરતો જિલ્લો છે અને તેમાં પણ મહુવા તાલુકો જીલ્લામાં ડુંગળીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ભાવનગરમાં અહીં ફક્ત 14 રૂપિયે કિલો ડુંગળી...! આ ડીહાઈડ્રેશન પ્લાન્ટ જાન્યુઆરીથી જૂન સુધી કાર્યરત હોય છે. આ સમય ગાળામાં ખેડૂતો પાસેથી વેપારીઓને ડુંગળી 6 થી 8 રૂપિયાના કિલોના ભાવે મળી રહેતી હોય છે અને સરેરાશ મહુવામાં જ વાર્ષિક 70,000 ટન ડિહાઇડ્રેશન થયેલી ડુંગળીના કિબલનું પ્રોડક્શન થાય છે.
જો પ્લાન્ટની વાત કરીએ તો આ એક ઓટોમેટીક પ્લાન્ટ છે. જેમાં ડુંગળી નાખ્યા બાદ તેની સફાઈ-ફોતરા કાઢવા, ચિપ્સ કટિંગ કરીને સુકાવી તેમજ પેકિંગ બધું જ મશીનરીની મદદથી થાય છે. આ એક વખતની પ્રોસેસમાં 5 થી 6 કલાક લાગે છે અને એક વ્યક્તિ આ પ્રોસેસ પર નજર રાખે છે.
આ પ્લાન્ટમાં લાલ, સફેદ અને અન્ય રાજ્યોની પીળી ડુંગળીને પ્રોસેસ કરી કિબલ કરવામાં આવે છે. આ સુકી ડુંગળી એટલેકે કીબલને ગરમ પાણીમાં માત્ર 3 મિનીટ ગરમ પાણીમાં પલાળી રાખતા તે આ પાણી ચૂસી ફરી પોતાનો ઓરીજનલ ટેસ્ટ પ્રાપ્ત કરે છે અને હરીભરી બની જાય છે.
આ માલ રશિયા, યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. વિદેશોમાં મહુવાની કિબલની ખૂબજ માંગ રહેતી હોય છે. એક ટનના 2000 ડોલર લેખે અંદાજે 50 હજાર ટન જેટલો માલ એક્સપોર્ટ કરવામાં આવે છે.જયારે 15 ટકા જેટલો માલ દેશમાં મસાલા બનાવતી મોટી કંપનીઓ અને હોટેલોમાં મોકલવામાં આવે છે.
દેશભરમાં આવેલા 150 ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં એક પ્લાન્ટમાં સરેરાશ 800 ટન કિબલ અને ડુંગળીના પાવડરનું પ્રોડક્શન થાય છે. આ પ્લાન્ટ થકી વાર્ષિક 24 કરોડ ડોલરનું વિદેશી હુંડીયામણ ભારતમાં આવે છે. કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી ભારતની આર્થિક સમૃદ્ધિમાં સહભાગી બનતા આ ડુંગળીના કીબલની માંગ આપણા દેશમાં સાવ નહીવત છે. ત્યારે બારેમાસ ડુંગળીના ભાવોની વધઘટ વગર ખાવા પીવાના ઉપયોગમાં લેવા દેશમાં પણ આ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો લોકો સસ્તી ડુંગળી કાયમી આરોગી શકે તેમાં કોઈ શંકા નથી.