ભાવનગર : ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રાઠોડ પરિવારની 2 દીકરીઓના લગ્ન હતા. લગ્નની જાન પણ આવી ગઈ હતી. આ દરમિયાન અચાનક જ બે પૈકી એક દીકરીનું હાર્ટએેટેકથી મૃત્યુ થતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જોકે, આ ગમગીન માહોલમાં પણ માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી પરિવારે મૃતકની નાની બહેનને પરણાવી હતી. એટલે કે વરરાજાની જે શાળી થવાની હતી, તેને પરણેતર થવાનો યોગ સર્જાયો હતો.
લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો :મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના સુભાષનગર ખાતે રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડની બે દીકરી અને એક દીકરાના લગ્ન થઇ રહ્યા હતા. જેના કારણે પરિવારમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ હતો. લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા, લગ્નની શરણાઇઓ ગુંજી રહી હતી. દીકરી હેતલને પરણવા માટે નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈના દીકરા વિશાલભાઈ પણ જાન લઈને આવી પહોંચ્યા હતા. પરંતુ કુદરતને તો કંઈક બીજું જ મંજૂર હતું.
લગ્ન ગીતના બદલે મરશીયા ગવાયા : લગ્ન પ્રસંગ દરમિયાન જીણાભાઈની દીકરી હેતલને અચાનક ચક્કર આવ્યા અને તે ફેરા પહેલા જ ધળી પડી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ હેતલના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. લગ્નના દિવસે જ હેતલનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જ્યાં લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા, ત્યાં મરશીયા ગાવા પડે એવી સ્થિતિ સર્જાઈ હતી.
પરિવારે નાની દિકરીના કરાવ્યા લગ્ન :આવી કપરા સંજોગોમાં પણ પરિવારે દિલ ઉપર પથ્થર મુકીને નારીથી આવેલી જાન પાછી ન જાય એ માટે નાની દીકરીને પરણાવવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન જીણાભાઈએ તેમની દીકરી હેતલનો નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી બે દીકરીઓનું કન્યા દાન કર્યું હતું. નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈના દીકરા વિશાલ સાથે તેમની નાની દીકરી પરણાવી હતી. એટલે કે મૃતકની નાની બહેન જે વરરાજાની સાળી થવાની હતી તેની પરિણીતા થવાનો યોગ સર્જાયો હતો. તો આવતીકાલે હજુ ભાઈના લગ્નની જાન પણ જવાની છે. આ કરૂણ ઘટનાથી ઘરે માતમનો માહોલ તો બીજી તરફ આવતી કાલે આ જ પરિવારના પુત્રની જાન જવાની છે.